વિશ્વભરના પુરાવા દર્શાવે છે કે નાના બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું ઓછું જોખમ છે તથા વેક્સિનની શોધ પહેલા વિશ્વભરના વિવિધ દેશોમાં સુરક્ષાના ઉપાયો સાથે સ્કૂલો ફરી ખોલવાના અનુભવ દર્શાવે છે કે સ્કૂલો ફરી ખોલવા માટે વ્યાપક વેક્સિનેશનની રાહ જોવાની જરૂર નથી, એમ વર્લ્ડ બેન્કે જણાવ્યું છે. મહામારીના દોઢ વર્ષ પછી ઉપલબ્ધ થયેલા પુરાવા સૂચવે છે કે સ્કૂલોને ખુલ્લી રાખવા કરતાં તેને બંધ રાખવાથી વધુ જોખમ ઊભું થાય છે.
નવી પોલિસી નોટમાં વર્લ્ડ બેન્કની એજ્યુકેશન ટીમે નોંધ્યું છે કે સ્કૂલો ખોલવામાં આવી છે તેવા વિશ્વના દેશોના અનુભવમાંથી બહાર આવ્યું છે કે પૂરતી સુરક્ષા વ્યૂહરચનાના સાથે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને સમાજમાં વાઇરસ ફેલાવાનું ઓછું જોખમ છે. કોરોના મહામારીને એક વર્ષ થયા પછી આપણે સારી રીતે જાણીએ છીએ કે આ વાઇરસ અને બિમારી બંનેના ફેલાવાને કેવી રીતે ઓછો કરી શકાય છે તથા ડબલ્યુએચઓ જેવી આરોગ્ય સંસ્થાઓએ “છેલ્લા વિકલ્પ” તરીકે સ્કૂલો બંધ કરવાની ભલામણ કરી છે.
વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે “હાલમાં ઉપલબ્ધ પુરાવા સૂચવે છે કે નાના બાળકોને કોરોના ચેપ લાગવાની ઓછી શક્યતા છે, તેઓ ગંભીરપણે બિમાર પડે અથવા મૃત્યુ થાય તેવી ઓછી શક્યતા છે. આ ઉપરાંત નાના બાળકો બીજા લોકોમાં ચેપ ફેલાવે તેવી પણ ઓછી શક્યતા છે. સ્કૂલોમાં અને ખાસ કરીને પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી સ્કૂલોમાં વાઇરસનો ફેલાવો ઓછો રહ્યો છે તથા સ્કૂલોના કર્મચારીઓ વિદ્યાર્થીઓ પાસેથી નહીં, પરંતુ બીજા સ્ટાફ પાસેથી વાઇરસનો ભોગ બને તેવી વધુ શક્યતા છે.”
વધુમાં જણાવવામાં આવ્યું છે કે “ઘણીવાર હાઇ કમ્યુનિટી ટ્રાન્સમિશનની વચ્ચે પણ વેક્સિનના વિકાસ પહેલા કેટલાંક દેશોમાં સ્કૂલોને સુરક્ષાના પગલાં સાથે ફરી ખોલવાના અનુભવ દર્શાવે છે કે શિક્ષણ સંસ્થાઓએ સ્કૂલો ફરી ખોલવા માટે તેના સ્ટાફ કે સમાજમાં બીજા પુખ્ત લોકોમાં વ્યાપક રસીકરણ થાય તેની રાહ જોવાની જરૂર નથી. જોકે રસીકરણમાં સ્કૂલ સ્ટાફને અગ્રતા આપી શકાય છે, જેથી સ્કૂલોમાં વાઇરસ ફેલાવાની ચિંતાને હળવી કરી શકાય.”
વર્લ્ડ બેન્કની નોટમાં જણાવાયું છે કે સ્કૂલોમાં બંધ રાખવાથી વાઇરસના ફેલાવાને રોકી શકાય છે, પરંતુ તેનાથી બાળકોના શિક્ષણ તેમના માનસિક આરોગ્ય અને એકંદર વિકાસ સામે જોખમ ઊભું થાય છે. સ્કૂલો બંધ રાખવા સંબંધિત જોખમ તથા સ્કૂલો ફરી ખોલવા સંબંધિત જોખમોના પુરાવા આધારિત અંદાજને આધારે સ્કૂલો ફરી ખોલવાનો નિર્ણય લેવો જોઇએ. સ્કૂલો ફરી ખોલવામાં આવી છે તેવા વિશ્વના દેશોના અનુભવ દર્શાવે છે કે સુરક્ષાની પૂરતી વ્યૂહરચનાનો અમલ કરવામાં આવે તો સ્કૂલો વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સમાજમાં વાઇરસનો ફેલાવાનું ઓછું જોખમ રહે છે.
વર્લ્ડ બેન્કના ડેટા મુજબ વિશ્વભરની 80 ટકા સ્કૂલોમાં રેગ્યુલર સેશન ચાલે છે. આમાંથી 54 સ્કૂલોમાં ફરી રૂબરુમાં શિક્ષણકાર્ય ચાલું છે, 34 ટકા સ્કૂલો ઓનલાઇન અને વર્ગખંડ શિક્ષણનું મિશ્રણ છે, જ્યારે 10 સ્કૂલો ઓનલાઇન ચાલે છે. બે ટકા સ્કૂલોમાં કોઇપણ માધ્યમથી શિક્ષણ ચાલુ થયું નથી.
નોટમાં જણાવાયું છે કે સ્કૂલો કોરોનાના સંક્રમણનું મોટું જોખમ ઊભું કે છે તેવો સરકારો, સમાજ, શિક્ષકો અને માતાપિતામાં ભય છે તેવી જગ્યાએ સ્કૂલો બંધ છે. આ દરેક સંદર્ભમાં સ્કૂલો બંધ રાખવાના અને સ્કૂલો ફરી ખોલવાની જોખમોનું મૂલ્યાંકન જરૂરી છે. તેથી પુરાવાને આધારે જોખમનું આકલન કરીને સ્કૂલો ફરી ખોલવાનો નિર્ણય કરી શકાય.