એક્સ્પો 2020 દુબઈમાં ઇન્ડિયન પેવેલિયન માટેના વીડિયો મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને ભારતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે આજે ભારતનો વિશ્વના સૌથી ખુલ્લા દેશોમાં સમાવેશ થાય અને તે વૃદ્ધિની મહત્તમ તક ઓફર કરે છે.
મોદીએ જણાવ્યું હતું કે ભારત પ્રતિભાશાળી લોકોનું પાવરહાઉસ છે તથા ટેકનોલોજી, રિસર્ચ અને ઇનોવેશનના યુગમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે. અમારા ઇકોનોમીને પરંપરાગત ઉદ્યોગો અને નવા યુગના સ્ટાર્ટ-અપથી વેગ મળી રહ્યો છે.
‘ઓપનનેસ, ઓપોર્ચ્યુનિટી અને ગ્રોથ’ની ઇન્ડિયન પેવેલિયનની થીમનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે ભારતનો હાલમાં વિશ્વના સૌથી ખુલ્લા અર્થતંત્ર સાથેના દેશોમાં સમાવેશ થાય છે. ભારત લર્નિંગ, ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે ખુલ્લો દેશ છે. તેથી હું અમારા દેશમાં આવવા અને રોકાણ કરવા આમંત્રણ આપું છું. હાલમાં ભારત વિપુલ તકની ભૂમિ છે. ભારતના આર્ટ, કોમર્સ, ઇન્ડસ્ટ્રી અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં વિપુલ તક છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત ગ્રોથની મહત્તમ તક પણ ઓફર કરે છે. ભારતમાં આવો અને અમારી વૃદ્ધિગાથામાં જોડાવો. છેલ્લાં સાત વર્ષમાં ભારત સરકારે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે સંખ્યાબંધ સુધારા કર્યા છે. અમે આ ટ્રેન્ડને ચાલુ રાખવા માટે વધુ પગલાં લઇશું.
ભારત તેની વિવિધતા અને ગતિશીલતા માટે પ્રખ્યાત હોવાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં સંસ્કૃતિ, ભાષા, ભોજન, કલા, સંગીત અને નૃત્યમાં ઘણી જ વિવિધતા છે. આ ડાઇવર્સિટીનું પ્રતિબિંબ અમારા પેવેલિયનમાં પડે છે. ભારતનું પેવેલિયન વિવિધ ક્ષેત્રોમાં ભારતની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરશે. તે હેલ્થ, ટેક્સટાઇલ્સ, સર્વિસ, ઇન્ફ્રા સહિતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણની તકનું પ્રદર્શન કરશે.
એક્સ્પો 2020 દુબઈમાં ઇન્ડિયા પેવેલિયનમાં લોકોને આવકારતા મોદીએ જણાવ્યું હતું કે આ એક્સ્પોમાં ભારત સૌથી મોટા પેવેલિયન સાથે ભાગ લઈ રહ્યું છે. મને ખાતરી છે કે આ એક્સ્પો યુએઇ અને દુબઈ સાથેના ગહન અને ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.