NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI10_1_2021_0010100001)

ભારતમાં શુક્રવારે કોરોનાના નવા 24,354 કેસ નોંધાયા હતા અને 234 લોકોના મોત થયા હતા. જોકે મોટી રાહતની વાત એ છે કે એક્ટિવ કેસની સંખ્યા છેલ્લાં 197 દિવસમાં સૌથી ઓછી રહી હતી. હાલમાં આવા કેસોની સંખ્યા આશરે 2.73 લાખ છે. એક દિવસમાં 234ના મોત સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 4,48,573 થયો હતો, જ્યારે કુલ કેસની સંખ્યા વધીને આશરે 3.37 કરોડ થઈ હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા ડેટા મુજબ એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના 0.81 ટકા છે, જે માર્ચ 2020 પછીથી સૌથી ઓછું છે. રાષ્ટ્રીય કોરોના રિકવરકી રેટ વધીને 97.86 ટકા થયો હતો, જે માર્ચ 2020 પછીથી સૌથી ઊંચો છે. છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 1,335નો ઘટાડો થયો હતો.

ભારતમાં કોરોનાના કુલ કેસનો આંક ચાર મેએ બે કરોડને અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયો હતો. શુક્રવારે દેશમાં આશરે 14.29 લાખ કોરોના ટેસ્ટ થયા હતા. હાલમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 1.70 ટકા છે, જે છેલ્લાં 33 દિવસથી ત્રણ ટકાથી નીચો છે. વીકલી પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે, જે છેલ્લાં 99 દિવસમાં ત્રણ ટકાથી નીચો છે. કોરાનો મૃત્યુદર 1.33 ટકા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 89.74 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.