યુગાન્ડા અને ભારતમાં જાણીતા ભારતીય ઉદ્યોગપતિ પરિવારના મોભી મીનાબેન માધવાણીનો 92 વર્ષની વયે બુધવારે (29 સપ્ટેમ્બર) યુગાન્ડાના કાકિરામાં નિધન થયું હતું. તેઓ યુગાન્ડામાં જાણીતા એવા માધવાણી ગ્રુપના સંસ્થાપક, જયંત મુલજીભાઈ માધવાણીના પત્ની હતા. જયંત માધવાણી ભારતમાં જન્મેલા અને પછી યુગાન્ડામાં વિરાટ કારોબાર – વેપાર, ઉદ્યોગ તેમજ સખાવતી સંસ્થાઓના સ્થાપક હતા. માધવાણી ગ્રુપના એક વરિષ્ઠ સેક્રેટરીએ મીનાબેનના નિધનના સમાચારને પુષ્ટિ આપી હતી.
યુગાન્ડાના જિન્જામાં આવેલા સનાતન ધર્મ મંદિર (એસડીએમ)ના અગ્રણી ધિરેન મહેતાએ પણ એક સંદેશમાં જણાવ્યું હતું કે, કાકિરા ખાતે શ્રીમતી મીનાબેન જયંતભાઈ માધવાણીના નિધનના સમાચાર આપતાં અમે ખેદ અનુભવી રહ્યા છીએ. મીનાબેનને જિન્જાના સમગ્ર સમુદાય તેમજ મંદિર પ્રત્યે હંમેશા અપાર સ્નેહ ધરાવતા હતા.
તેમની વિદાયથી માધવાણી પરિવારને તેમજ સ્થાનિક સમુદાયને પુરી શકાય નહીં એવી ખોટ પડશે. અમે પ્રભુને પ્રાર્થના કરીએ કે સદગતના આત્માને શાંતિ આપે.
સદગતને સ્મરણાંજલિ આપવા ટુંક સમયમાં કાર્યક્રમ યોજાશે, એમ પણ તેઓએ વધુમાં જણાવ્યું હતું. મીનાબેન પોતે ટાન્ઝાનીઆના વતની હતા અને 1950માં મુંબઈમાં જયંત માધવાણી સાથે તેમના લગ્ન થયા હતા.
યુગાન્ડામાં ત્યાંના સરમુખત્યાર ઈદી અમીને એશિયન લોકોને દેશ છોડવા ફરજ પાડી ત્યારે 1971માં જયંતભાઈ માધવાણીનું મુંબઈમાં હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું.
મીનાબેન સ્વભાવે ખૂબજ ખમીરવંતા હતા અને પોતાના પતિએ સ્થાપેલા વેપાર-ઉદ્યોગના સામ્રાજ્યને આસાનીથી છોડવા તૈયાર નહોતા, એ માટે તેઓ ઈદી અમીન સાથે પણ બાથ ભિડવા તૈયાર હોવાની વાત સ્થાનિક લોકોમાં જાણીતી છે.
આખરે, તેમના પરિવારની સમજાવટના પગલે તેઓ યુગાન્ડા છોડી પડોશી દેશ કેન્યા ગયા હતા. 1970ના દાયકાના ઉત્તરાર્ધમાં ઈદી અમીનનું સત્તાસ્થાનેથી પતન થયા પછી યુગાન્ડા પાછા ફર્યા હતા.