બિન નિવાસી ભારતીયો (એનઆરઆઇ)એ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ભારતમાં પરિવારને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા માટે જંગી ભંડોળ મોકલ્યું હોય તેમ લાગે છે. 2021-22ના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં ગુજરાતની બેન્કોમાં એનઆરઆઇ ડિપોઝિટ્સ રૂા.5,950 કરોડ વધીને રૂા.81,070 કરોડ થઈ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂા.75,120 કરોડ હતી, એમ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી)ના તાજેતરન ડેટામાં જણાવાયું હતું.
છેલ્લાં ચાર નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર દરમિયાન એનઆરઆઈ ડિપોઝિટમાં આ સૌથી મોટો ઉછાળો છે. બેન્કિંગ સૂત્રોના જણાવ્યું હતું કે લોકડાઉન પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી ચાલુ થવામાં વિલંબ થયો હતો. હવાઇ સુવિધાને કારણે ઘણા એનઆરઆઇ ગુજરાતમાં ફસાઈ ગયા હતા. કોરોનાની અનિશ્ચિતતાને કારણે ઘણા એનઆરઆઇએ ગુજરાતમાં તેમના પરિવારજનોને આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે જંગી ભંડોળ મોકલ્યું હતું.
બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે એનઆરઆઇ દ્વારા જમા કરવામાં આવતા કન્ટિજન્સી ફંડ્સમાં પણ વધારો થયો હતો. ગુજરાત સહિત ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક હતી. વિદેશમાં રહેતા લોકોએ ઇમર્જન્સી ફંડ તરીકે સ્થાનિક બેન્કોમાં નાણા મોકલ્યા હતા, જેથી પરિવારનોને જરૂર પડે તે મદદ મળી શકે છે.
નવા રેમિટન્સ ઉપરાંત ડિપોઝિટ્સ પર વ્યાજની કમાણી પણ થઈ હતી. એનઆરઆઇ ડિપોઝિટમાં વાર્ષિક ધોરણે 5 ટકા સુધી વ્યાજ મળે છે. તેનાથી પણ એનઆરઆઇ ડિપોઝિટ્સમાં ઉછાળો આવ્યો છે. ગયા નાણાકીીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટર દરમિયાન એનઆરઆઇ ડિપોઝિટમાં ઘટાડો થયો હતો. જોકે આ પછીના ક્વાર્ટર્સમાં સતત વધારો થઈ હતી.