હેમામાલિની અભિનેત્રીની સાથે સાથે એક શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે પણ દેશ-વિદેશમાં જાણીતી છે. તેની કૃષ્ણ ભક્તિ પણ જગજાહેર છે અને તે મથુરાથી ભાજપનાં સાંસદ પણ છે. આ કારણે જ તાજેતરમાં જન્માષ્ટમી વખતે તેણે પોતાની વર્ષ 1979ની ફિલ્મ ‘મીરા’સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. ગુલઝાર આ ફિલ્મમાં હેમામાલિનીએ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી. તેનું સંગીત લક્ષમીકાંત-પ્યારેલાલે આપવાનું હતું અને ગાયિકા લતા મંગેશકર હતા. આ બધું જાણ્યા પછી હેમામાલિની આ ફિલ્મમાં કામ કરવા અતિઉત્સાહી હતી. પરંતુ જ્યારે લતા મંગેશકરે આ ફિલ્મના ગીતો ગાવાની ના કહી ત્યારે હેમામાલિનીનો બધો ઉત્સાહ ઓસરી ગયો હતો.
હેમામાલિનીએ આ અંગે જણાવ્યું હતું કે, ગુલઝાર સાહેબની ‘મીરા’માં કામ કરવું એ મારા માટે સ્વપ્ન સાકાર થવા સમાન હતું. આમ, પણ હું કૃષ્ણ ભક્ત છું. અને હું હમેશાં એમ જ ઇચ્છતી કે મારા ગીત લતા મંગેશકર ગાય. પરંતુ જ્યારે તેમણે ‘મીરા’ના ગીતો ગાવાની ના કહી ત્યારે મેં વ્યક્તિગત રીતે તેમને ફોન કર્યો. પરંતુ તેમણે આ ફિલ્મના ગીતો ન ગાવાનું નક્કી કરી લીધું હતું. તેમનો આ નિર્ણય સાંભળ્યા પછી લક્ષમીકાંત-પ્યારેલાલ પણ આ ફિલ્મમાંથી ખસી ગયા હતા. અને તેમના સ્થાને પંડિત રવિશંકરે તેનું સંગીત આપ્યું હતું. પરંતુ અહીં પ્રશ્ન એ હતો કે લતા મંગેશકરે ગીતો ગાવાની ના કેમ કહી હતી? તેના જવાબમાં તેમણે રહસ્ય ખોલતા કહ્યું હતું કે મેં મારા ભાઈ હૃદયનાથ મંગેશકરના આલબમ ‘ચલા વહી દેશ’ માટે મીરાના ભજન ગાયા હતા. તેથી મેં નક્કી કર્યું હતું કે હવે એ ભજનો હું અન્ય કોઈ માટે નહીં ગાઉં. ઉલ્લેખનીય છે કે પછીથી આ ફિલ્મના ગીતો વાણી જયરામે ગાયા હતા અને તેના માટે તેમને બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો.