દિલ્હી યુનિવર્સિટીમાં ભારત વિરોધી સૂત્રોચ્ચારના મુદ્દે દેશભરમાં જાણીતા બનેલા ડાબેરી નેતા કનૈયા કુમાર મંગળવારે કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ કોંગ્રેસના પ્રતિક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ કોંગ્રેસમાં જોડાયા ન હતા.
જિજ્ઞેશ મેવાણીએ હાલમાં વૈચારિક રીતે કોંગ્રેસ સાથે જોડાયા હોવાનું જણાવતાં કહ્યું કે, હું અપક્ષ ધારાસભ્ય છું આ માટે ઔપચારિક રીતે કોંગ્રેસ જોઇન ના કરી શકું. પરંતુ 2022ની ચૂંટણી કોંગ્રેસના નેતૃત્વમાં લડીશ અને પાર્ટી માટે પ્રચાર કરીશ. આજે જે રાષ્ટ્રીય સ્તરે થઇ રહ્યું છે એ અમે ગુજરાતમાં સહન કરી ચૂક્યા છીએ.
કનૈયા કુમારે કહ્યું હતું કે, દેશની સૌથી મોટી વિપક્ષ પાર્ટી બચશે નહીં તો દેશ નહીં બચે. મોટા જહાજને બચાવવામાં નહીં આવે તો નાની નાની હોડીઓ પણ ડૂબી જશે. કનૈયા કુમાર બિહારના બેગૂસરાય જિલ્લાથી છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં અહીંની સીટ પરથી ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના નેતા ગિરિરાજ સિંહ સામે 4 લાખ મતના મોટા અંતરથી હારનો સામનો કર્યો હતો. બીજી તરફ 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થઇ ચૂક્યા છે, જ્યારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ ગયા છે. જ્યારે જિજ્ઞેશ મેવાણી ભાજપ સામે સતત લડતા રહ્યા હતા.