બંગાળની ખાડીમાં સર્જાયેલા ગુલાબ વાવાઝોડુંથી બુધવાર, 29 સપ્ટેમ્બરે ગુજરાતના અનેક વિસ્તારમાં તેજ પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. હવે ગુજરાત પર શાહીન નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે “આ સિસ્ટમ 30મી સપ્ટેમ્બરે ગુજરાતના દરિયા કિનારે ઉત્તર અરબી સમુદ્ર સાથે અથડાય તેવી સંભાવના છે અને જે પછી આ સિસ્ટમ વધારે તેજ બનીને 24 કલાકમાં ઉત્તર અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી સંભાવના છે.”
વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર એલર્ટ બની છે અને તેનો સામનો કરવાની તૈયારી ચાલુ કરી છે. NDRFએ જણાવ્યું હતું કે, “હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને 14 ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે, 20 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સિવાય નીચાળવાળા વિસ્તાર છે તેની સમીક્ષા કરીને વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જરુર હોય તે અંગે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર સાથે વાત કરીને કામગીરી કરવામાં આવી રહી છે.”
ગુલાબ વાવાઝોડાને કારણે પૂર્વથી પશ્ચિમ ભારત તરફ લો-પ્રેશર બનીને આવી રહ્યું છે. જે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં જઈને ફરી એકવાર વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરશે. ગુલાબ વાવાઝોડું લેન્ડ ફોલ થયા પછી તે છત્તીસગઢ, તેલંગાણા સહિતના રાજ્યો થઈને ગુજરાત તરફ આવ્યું છે. ગુજરાતમાં આ ગુલાબ વાવાઝોડાની અસરો પણ દેખાઈ રહી છે.
ગુલાબ વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછી તે અરબી સમુદ્રમાં આવીને ફરી એકવાર વાવાઝોડાનું સ્વરુપ લઈ શકે છે. જોકે આ પહેલા જ ડિપ્રેશનની અસર ગુજરાતમાં વર્તાવાની શરુ થતાં મહત્વના પગલા પણ રાજ્યમાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં NDRF અને SDRFની ટીમો ઉતારવામાં આવી છે. આ સિવાય પંજાબથી પણ ગુજરાતમાં કેટલીક ટીમોને બોલાવવામાં આવી છે.