પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને માત્ર થોડા મહિનાનો સમય ત્યારે કોંગ્રેસમાં મંગળવારે ફરીવાર ઘમાસાણ ચાલુ થયું છે. તાજેતરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનેલા નવજોત સિંહ સિદ્ધુએ તેમના પદેથી રાજીનામુ આપીને દરેકને ચોંકાવી દીધા હતા. બીજી તરફ સિદ્ધુને કારણે પંજાબના મુખ્યપ્રધાન પદેથી દૂર કરવામાં આવેલા અમરિન્દર સિંહે હવે ભાજપમાં જોડાય તેવી અટકળો છે.
મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનુ રાજીનામુ આપ્યું હતું. નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીએ મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે સમાધાનથી વ્યક્તિના વ્યક્તિત્વમાં પડતી શરૂ થાય છે, હું પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન કરી શકતો નથી. તેથી હું પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી તાત્કાલિક રાજીનામુ આપું છું.
બીજી તરફ કોંગ્રેસે સાઈડલાઈન કરેલા પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ હવે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો શરૂ થઈ છે. મંગળવારે કેપ્ટન દિલ્હી આવવાના છે અને તેઓ દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાને મળે તેવી શક્યતા છે.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિધ્ધુ સાથે થયેલા વિવાદ બાદ તાજેતરમાં કેપ્ટને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતુ અને તેમની જગ્યાએ કોંગ્રેસે ચરણજિતસિંહ ચન્નીને પંજાબના મુખ્યપ્રધાન બનાવ્યા છે. તે સમયે કેપ્ટન અમરિન્દરે કહ્યું હતું કે, મારૂ અપમાન કરાયું હતું અને તે પછી મેં પદ છોડવાનો નિર્ણય લીધો હતો. જો પંજાબમાં 2022માં કોંગ્રેસ ચૂંટણી જીતી તો પણ હું સિધ્ધુને મુખ્યપ્રધાન નહીં બનવા દઉં.