NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI

ભારતમાં તાજેતરમાં ઝડપથી રસીકરણને પગલે કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થયો છે. દેશમાં સોમવારે 20,000થી ઓછા દૈનિક કેસ નોંધાયા હતા, જે 6 મહિનામાં સૌથી ઓછા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં 201 દિવસ બાદ પહેલીવાર કોરોનાના નવા કેસની સંખ્યા 20,000થી નીચી રહી છે. સોમવારે 18,795 કોરોના નવા દર્દી મળ્યા હતા અને 179 દર્દીના મોત થયા હતા. દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ પણ ત્રણ લાખથી નીચે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને આશરે 3.36 કરોડ થઈ હતી. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,92,206 થઈ ગઈ છે હતી, જે 192 દિવસમાં સૌથી ઓછી છે. સોમવારે એક્ટિવ કેસની સંખ્યામાં કુલ 7,414 નો ઘટાડો નોંધાયો હતો. દર્દીના સાજા થવાનો રાષ્ટ્રીય દર 97.81 ટકા રહ્યો હતો.

સોમવારે કોરોનાથી 179 મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને 4,47,373 થયો હતો. દૈનિક મૃત્યુની સંખ્યા 193 દિવસમાં સૌથી ઓછી છે. અગાઉ 19 માર્ચે સંક્રમણથી મોતના 154 કેસ સામે આવ્યા હતા. દેશમાં અત્યાર સુધી કુલ આશરે 3.29 કરોડ કોવિડ દર્દી આ મહામારીને માત આપીને સાજા થઈ ચૂક્યાં છે.

દૈનિક સંક્રમણ દર 1.42 ટકા છે, જે છેલ્લા 29 દિવસથી ત્રણ ટકાથી ઓછો છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.88 ટકા છે, જે છેલ્લા 95 દિવસથી ત્રણ ટકાથી ઓછી થઈ છે, જ્યારે મૃત્યુદર 1.33 ટકા છે.

દેશમાં કોરોનાના મોટા ભાગના કેસ કેરળમાં નોંધાઈ રહ્યાં છે. લાંબા સમયથી કેરળમાં જ કોવિડના 40થી 50 ટકા દર્દી મળ્યા છે. જોકે, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ પણ કોરોનાથી સર્વાધિક પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી વેક્સિનની 86 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાછે. ભારતની 18 વર્ષથી મોટી ઉંમરની લોકોમાંથી 67.8% લોકો એક ડોઝ લઈ ચૂક્યા છે જ્યારે 18 વર્ષથી મોટી ઉંમરના 24.3% ટકા લોકો બંને ડોઝ લઈ ચુક્યાં છે.