ભારતના ચીફ જસ્ટિસ એન વી રમનાએ શનિવારે જણાવ્યું હતું કે સંસદે કાયદાની સમીક્ષા કરીને તેમાં સુધારો કરવાની જરૂર છે, જેથી તે હાલના સમય અને લોકોની જરૂરિયાતને અનુરુપ બને તથા વ્યવહારુ વાસ્તવિકતા સાથે તાલ મિલાવી શકે.
ઓડિશા સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે સંસદ અને અમલીકરણ અધિકારીઓ બંધારણીય અપેક્ષા પરિપૂર્ણ કરવા સાથે મળીને કામ કરે તે જરૂરી છે
ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે “હું ભારપૂર્વક કહું છું કે આપણા કાયદા આપણી વ્યવહારુ વાસ્તવિકતા સાથે અનુરૂપ હોવા જોઇએ. અમલીકરણ અધિકારીઓએ સંબંધિત કાયદાને સરળ બનાવીને આ પ્રયાસોની દિશા કામ કરવું જોઇએ.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસદ અને અમલીકરણ અધિકારીઓ બંધારણીય અપેક્ષા પૂરી કરવા સુમેળ રાખીને કામ કરે તે મહત્ત્વપૂર્ણ છે. આ પછી જ ન્યાયતંત્રેને કાયદા ઘડનાર તરીકે દરમિયાગીરી કરવાની જરૂર નહીં પડે તથા ન્યાયતંત્ર પાસે માત્ર કાયદાના અમલ અને અર્થઘટની ફરજ રહેશે. દેશના આ ત્રણ સ્થંભ સુમેળ સાથે કામગીરી કરશે તો ન્યાય સામેના પ્રોસિજરલના અવરોધો દૂર કરી શકાશે.
ભારતના ન્યાયતંત્ર બેવડા પડકારોનો સામનો કરી રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ પડકાર ન્યાયપ્રણાલીના ભારતીયકરણનો છે. આઝાદીના 74 વર્ષ પછી પણ જીવનના પરંપરાગત માર્ગ પર ચાલતો સમાજ કોર્ટમાં જવામાં ખચકાટ અનુભવે છે. આપણી અદાલતોની કાર્યપ્રણાલી અને ભાષા તેમના માટે તદ્દન અલગ હોય છે. કાયદાની જટિલ ભાષા અને જસ્ટિસ ડિલિવરીની પ્રક્રિયા વચ્ચે સામાન્ય માણસ તેમની ફરિયાદના ભાવિ પર અંકુશ ગુમાવી રહ્યો તેમ લાગે છે.
ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે એ આકરી વાસ્તવિકતા છે કે ભારતની ન્યાયપ્રણાલી ઘણીવાર સામાજિક વાસ્તવિકતા અને તેના સૂચિતાર્થને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહે છે.