લંડનના મેયર સાદિક ખાને ‘ધ લેગસી ટૂર’ શીર્ષક સાથે યુકે યાત્રા શરૂ કરનાર સુપ્રસિદ્ધ પાકિસ્તાની ગાયક ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન સાથે 8,000થી વધુ લોકોને ધ એસએસઈ વેમ્બલી એરેનામાં આવકાર્યા હતા. રાહતે પોતાના લોકપ્રિય ગીતો ‘તેરી મેરી…’, ‘મેરે રશ્કે કમર’ અને ‘દમ મસ્ત કલંદર’ જેવી ઉત્તમ હિટ ગીતો સાથે 3 કલાક લોકોનું મનોરંજન કર્યું હતું.
રાહત ફતેહ અલી ખાનની સાથે સ્ટેજ પર ઉપસ્થિત ચાહકોને સંબોધતા મેયર સાદિક ખાને કહ્યું હતું કે “રાહત ફતેહ અલી ખાનની ખાસ વાત એ છે કે તે નોબેલ શાંતિ પુરસ્કારમાં ગાય છે, તેણે કિંગ્સ અને ક્વીન્સ માટે રજૂઆતો કરી છે, અને તે બોલીવુડ અને હોલીવુડ ફિલ્મો માટે ગીતો બનાવે છે, પરંતુ તે લંડનમાં તેના ચાહકોને ક્યારેય ભૂલતો નથી. તેણે ફરી એક વખત સમાજને એક કરી વિશ્વને લંડન ખુલ્લું છે તે બતાવવા બદલ આભાર.”
તેમણે ઉમેર્યું હતું કે “લંડનમાં સાઉથ એશિયન સમુદાયને છેલ્લા 18 મહિનાઓની ખૂબ જ મુશ્કેલી પછી ફરીથી જીવંત સંગીતનો આનંદ માણવા માટે બહાર આવતા જોવા ખૂબ જ આનંદદાયક છે. લંડન બહુસાંસ્કૃતિક મનોરંજનનું કેન્દ્ર છે.”
આ કોન્સર્ટમાં પુરસ્કાર વિજેતા બ્રિટિશ ફિલ્મ નિર્દેશક ગુરિન્દર ચઢ્ઢા, ચાર્ટ-ટોપિંગ સંગીત નિર્માતા નૉટી બોય અને વખાણાયેલા ભારતીય ફિલ્મ નિર્દેશક શેખર કપૂર ઉપસ્થિત હતા.