ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગયા સપ્તાહે તેમની સૌપ્રથમ સત્તાવાર અમેરિકા યાત્રામાં પ્રેસિડેન્ટ જો બાઈડેન અને તેમની સરકાર, અનેક રાજકીય મહાનુભાવો તથા વેપાર – ઉદ્યોગ અને ટેકનોલોજી માંઘાતાઓ દ્વારા અપેક્ષાથી પણ અધિક મોંઘેરો આદર – સત્કાર કરાયો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડેન અને તેમના પત્નીએ મોદીના માનમાં ખાનગી ડીનરનું પણ આયોજન કર્યું હતું.
તેમની આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક બની રહી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર સહિતના સંરક્ષણ સોદા, માઈક્રો ચિપ્સ સહિતની અન્ય આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રે સહકાર, ગૂગલ સહિતની ટોચની ટેક કંપનીઓ દ્વારા ભારતમાં નવા પ્રોજેક્ટ્સ સાથે રોકાણની જાહેરાતો, ભારતના કુશળ કર્મચારીઓ માટે વિઝા પ્રોસેસમાં ખાસ રાહત વગેરે જેવી અનેક નવી ક્ષિતિજો ખુલી હતી.
અમેરિકાની ત્રણ દિવસની સત્તાવાર યાત્રા પુરી કર્યા પછી મોદી ઈજીપ્તની પણ મુલાકાતે ગયા હતા, જ્યાં ભારત – ઈજીપ્તના સંબંધોમાં પણ એક નવું પ્રકરણ આલેખાયું હતું. ઈજીપ્તે મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું હતું, તો ત્યાંના સૌથી મોટા ઈસ્લામિક ધાર્મિક નેતાએ પણ મોદીના નેતૃત્ત્વની પ્રશંસા કરી હતી.