ઓસ્ટ્રેલિયાના બીજા ક્રમના સૌથી મોટા શહેર મેલબોર્નમાં બુધવારે સવારે 9 વાગ્યે (સ્થાનિક સમય) શક્તિશાળી ભૂકંપ આવતા ભારે ગભરાટ ફેલાયો હતો. ભૂકંપ 6.0ની તીવ્રતાનો હતો, જે ઓસ્ટ્રેલિયાના ઇતિહાસના સૌથી મોટા ભૂકંપ પૈકીનો એક છે. આ ભૂકંપ એટલો ભયાનક હતો કે, ઈમારતો હલી ગઈ હતી અને દિવાલો ધરાશાયી થઈ હતી. અચાનક આવેલા ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોલા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભૂકંપના કારણે ઘણી બધી ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું.
ભૂકંપના આંચકા સેંકડો કિલોમીટર સુધી અનુભવાયા હતા. મેલબોર્નમાં આવેલો આ ભૂકંપ દુર્લભ કહી શકાય કારણકે અહીં ભાગ્યે જ ભૂકંપ આવે છે. ભૂકંપનું કેંદ્રબિંદુ વિક્ટોરિયા સ્ટેટના મેન્સફિલ્ડમાં નોંધાયું હતું. આ સ્થળ ઉત્તરપૂર્વ મેલબોર્નથી 200 કિલોમીટર દૂર છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર ઊંડે હતી અને આફ્ટરશૉકનો રેટ 4.0 નોંધાયો હતો.
કંપના કારણે ભયભીત લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. ભૂકંપ બાદ મેલબોર્નની ચેપલ સ્ટ્રીટમાં ચારેતરફ કાટમાળ જોવા મળ્યો હતો. ઈમારતોમાંથી ઈંટો અને પથ્થર તૂટીને રસ્તા પર પડ્યા હતા. સોશિયલ મીડિયા પર અનેક વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે જેમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનનો અંદાજ લગાવી શકાય છે. મેલબોર્નના ઉત્તર ભાગમાં રહેતા લોકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોને બિલ્ડિંગ ખાલી કરવાની સૂચના અપાઈ હતી.
મેલબોર્નથી 800 કિલોમીટર દૂર આવેલા એડલિડ અને 900 કિલોમીટર દૂર આવેલા સિડનીમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. જોકે, મેલબોર્ન સિવાયના કોઈપણ સ્થળે નુકસાન કે લોકોને ઈજા થયાના અહેવાલો નથી. પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસને મીડિયાને જણાવ્યું કે, “કોઈને ગંભીર ઈજા પહોંચી હોય કે જાનમાલને ભારે નુકસાન થયું હોય તેવી કોઈ માહિતી મળી નથી, જે સારા સમાચાર છે. અમને આશા છે કે, આ સમાચાર જળવાઈ રહેશે.”