પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાવાની શક્યતાઓ ફરી એકવાર ધૂંધળી બની ગઈ છે. 18 વર્ષ પછી ન્યૂઝિલેન્ડની ક્રિકેટ ટીમ વન-ડે અને ટી-20ની સીરીઝ રમવા પાકિસ્તાન ગઈ હતી અને પછી સીરીઝની પહેલી મેચ રમાય તેની ગણતરીની કલાકો પહેલા જ પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી પાકિસ્તાનથી રવાના થઈ ગઈ હતી. ન્યૂઝિલેન્ડ સરકારને ટીમના ખેલાડીઓ માથે જીવનું જોખમ હોવાના અહેવાલો મળતાં સરકારે ટીમને પ્રવાસ પડતો મુકી પાકિસ્તાનથી રવાના થઈ જવાની સૂચના આપી હતી.

પાકિસ્તાનના ક્રિકેટને તેમજ એકંદરે પાકિસ્તાનની સરકારની પ્રતિષ્ઠાને આ રીતે મરણતોલ ફટકો પડ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ બાબતે ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેન સાથે ફોન ઉપર વાતચિત કરી હોવા છતાં તેઓ પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા હતા.

રાવલપિંડીમાં પ્રથમ વન-ડે રમાવાની હતી તે જ દિવસે બન્ને ટીમ હોટલમાંથી બહાર નહીં નિકળતા તર્ક વિતર્કો થવા લાગ્યા હતા. આ સીરીઝ પડતી મુકાતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકાર ધૂંધવાઈ ઉઠ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચૂંટાયેલા અધ્યક્ષ રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે પીસીબી હવે આ મામલે આઈસીસીમાં રજૂઆત કરશે અને પાકિસ્તાને તેનો જવાબ આપવો પડશે. તો ક્રિકેટ ન્યૂઝિલેન્ડના ચીફ એક્ઝિક્યુટીવ ડેવિડ વ્હાઈટે કહ્યું હતું કે, અમારી સરકારના સ્પષ્ટ આદેશ પછી અમે પ્રવાસ ચાલુ રાખી શકીએ નહીં.