વડા પ્રધાન બોરિસ જૉન્સને બુધવારે તા. 15ના રોજ તેમના બે વરિષ્ઠ કેબિનેટ મિનિસ્ટર ઋષિ સુનકને ચાન્સેલર અને પ્રીતિ પટેલને હોમ સેક્રેટરી તરીકેના તેમના હોદ્દા પર જાળવી રાખવા સાથે તેમની ટોચની ટીમમાં ફેરબદલ કર્યો હતો. આ ફેરબદલમાં જસ્ટીસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડ, એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસન અને હાઉસીંગ સેક્રેટરી રોબર્ટ જેન્રીકને બરતરફ કરાયા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના સહ -અધ્યક્ષ અમાન્ડા મિલિંગને ફોરેમ ઓફિસમાં મિનિસ્ટરની ભૂમિકા સોંપવામાં આવી છે.
સુનકે લખેલો પત્ર લિક થયા બાદ વડા પ્રધાને તેમની ફેરબદલ અંગે ભરી મીટીંગમાં ધમકી આપ્યા બાદ તેમનું મંત્રીપદ કદાચ બદલાય તેવી રાજકીય પંડિતોમાં અપેક્ષાઓ હતી. બીજી તરફ પ્રીતિ પટેલને કેટલાક વિવાદોને પગલે બદલવામાં આવશે તેવી અટકળો હતી.
ભારતની વિખ્યાત આઇટી ફર્મ ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ સુનક ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ચાન્સેલર પદે આરૂઢ થયા હતા અને કોવિડ-19 રોગચાળા દરમિયાન યુકેના નાણાકીય પ્રતિભાવનું નેતૃત્વ કર્યું હતું.
પ્રીતિ પટેલ, ગુજરાતી-યુગાન્ડાના મૂળના માતા-પિતાના દિકરી છે અને તેઓ જુલાઈ 2019થી હોમ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે.
જો કે, વરિષ્ઠ પ્રધાનોમાં ફેરબદલ કરાયેલા મિનિસ્ટર્સમાં ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબનો સમાવેશ થાય છે. તેમનું ડિમોશન કરી તેમને જસ્ટીસ સેક્રેટરી તરીકેનો પદભાર સોંપાયો હતો. તાલિબાન સામે અફઘાનિસ્તાનના પતન અને કાબુલમાંથી બ્રિટીશર્સ તેમજ સમર્થકોને ખસેડવાના પ્રયાસોમાં મળેલ આંશિક નિષ્ફળતાને કારણે તાજેતરનાં સપ્તાહોમાં શ્રી રાબની નેતાગીરીને વખોડવામાં આવી હતી. જેને પગલે તેઓ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના વડા તરીકેના તેમના ભવિષ્ય વિશે અટકળોના કેન્દ્રમાં હતા. આ તમામ પદ બ્રિટીશ સરકારમાં ટોચની કેબિનેટ પોસ્ટ્સમાંના એક છે.
તેમના સ્થાને ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસની બઢતી આપીને નિમણુંક કરવામાં આવી છે. આ સપ્તાહની શરૂઆતમાં, તેમણે ભારતના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયલ સાથે વેપાર મંત્રણા કરી હતી. નધિમ ઝહાવિને વેક્સીન રોલઆઉટ મિનિસ્ટર પદેથી ખસેડીને એજ્યુકેશન મિનિસ્ટર બનાવાયા છે અને નદિન ડોરીઝને હેલ્થ મિનિસ્ટર પરથી બઢતી આપી કલ્ચર સેક્રેટરી બનાવાયા છે.
આ અગાઉ, ડાઉનીંગ સ્ટ્રીટે જાહેરાત કરી હતી કે વડા પ્રધાન જોન્સન “રોગચાળામાંથી વધુ સારી રીતે પાછા ફરવા માટે એક મજબૂત અને એકજૂટ ટીમની રચના કરવા તેમની ટોચની ટીમમાં ફેરબદલ કરશે”.
હાઉસ ઓફ કોમન્સમાં સાપ્તાહિક પ્રાઇમ મિનિસ્ટર્સ ક્વેશ્ચન (PMQs) સત્ર પછી તરત જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલા મિનિસ્ટર્સને પડતા મૂકાયા હોવાના સમાચાર આવ્યા હતા અને ત્યારબાદ મિનિસ્ટર્સની બદલ-બઢતીના સમાચાર આવ્યા હતા.
જોન્સન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને જુલાઈ 2019માં થેરેસા મેના અનુગામી વડા પ્રધાન બન્યા બાદ કેબનિનેટમાં આ બીજો મોટો ફેરબદલ છે. છેલ્લો બદલાવ ફેબ્રુઆરી 2020માં થયો હતો.
હાલમાં વધુ બે મહિલાઓને કેબિનેટમાં સમાવવામાં આવી છે પરંતુ ફેરબદલ પછી પણ તેમનું પ્રમાણ લગભગ સમાન રહ્યું છે. અત્યારે કેબિનેટમાં રહેલા મિનિસ્ટર્સ પૈકી લગભગ 63 ટકા લોકોએ ખાનગી શાળાઓમાં અભ્યાસ કર્યો છે. 2016માં થેરેસા મેના પ્રથમ મંત્રીમંડળમાં માત્ર 30 ટકાએ ખાનગી શાળાઓમાં અભ્યાસ કર્યો હતો. જે પ્રમાણ ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનના મૂળ મંત્રીમંડળ કરતા ઓછું હતું. સટન ટ્રસ્ટ સોશ્યલ મોબિલિટી ચેરિટીના જણાવ્યા અનુસાર, બ્રાઉન બ્રાઉન સિવાય 1937 પછી આવેલા દરેક વડાપ્રધાન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા હતા.
બોરિસ જોન્સનનું મંત્રીમંડળ
બોરિસ જોન્સન વડા પ્રધાન
ઋષિ સુનક ચાન્સેલર ઓફ એક્સચેકર
પ્રીતિ પટેલ હોમ સેક્રેટરી
લિઝ ટ્રસ ફોરેન સેક્રેટરી
સ્ટીફન બાર્કલે ચાન્સેલર ઓફ ધ ડચી’સ ઓફ લેન્કેસ્ટર
બેન વોલેસ ડીફેન્સ સેક્રેટરી
લોર્ડ ડેવિડ ફ્રોસ્ટ મિનિસ્ટર ઓફ સ્ટેટ
એની-મેરી ટ્રેવલિન ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી
સાજિદ જાવિદ હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી
નદીમ ઝહાવી એજ્યુકેશન સેક્રેટરી
નદીન ડોરીઝ કલ્ચર સેક્રેટરી
ક્વાસી ક્વોર્ટેંગ બિઝનેસ સેક્રેટરી
માઇકલ ગોવ હાઉસીંગ, કોમ્યુનિટી એન્ડ લોકલ ગવર્મેન્ટ
થેરેસ કોફી વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી
ડોમિનિક રાબ જસ્ટીસ સેક્રેટરી, લોર્ડ ચાન્સેલર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર
ગ્રાન્ટ શેપ્સ ટ્રાન્સેપોર્ટ સેક્રેટરી
જ્યોર્જ યુસ્ટાઇસ એન્વાયર્નમેન્ટ સેક્રેટરી
બ્રાન્ડન લેવિસ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર નોર્ધન આયર્લેન્ડ
એલિસ્ટર જેક સ્કોટિશ સેક્રેટરી
સિમોન હાર્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વેલ્સ
બેરોનેસ ઇવાન્સ લીડર ઓફ લોર્ડ્સ
ઓલિવર ડાઉડેન પાર્ટીના સહ-અધ્યક્ષ અને મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો
આલોક શર્મા પ્રેસિડેન્ટ COP26
નાઇજેલ એડમ્સ મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો
સિમોન ક્લાર્ક ચિફ સેક્રેટરી ટૂ ટ્રેઝરી
કિટ માલ્ટહાઉસ હોમ ઓફિસ અને જસ્ટીસ મિનિસ્ટર
મિશેલ ડોનેલન એજ્યુકેશન મિનિસ્ટર
જેકબ રીસ-મોગ કોમન્સના નેતા
માર્ક સ્પેન્સર ચિફ વ્હીપ
સુએલા બ્રેવરમેન એટર્ની જનરલ