રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ઉદેપુરમાં એક કાર્યક્રમમાં મંગળવારે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિન્દુઓની વસતી ઓછી થઈ છે ત્યાં સમસ્યાઓ ઉભી થઈ છે. હિન્દુ રાષ્ટ્રથી જ વિશ્વનું કલ્યાણ થશે.
હિન્દુત્વની વિચારધારા અંગે તેમણે કહ્યું હતું કે, કોરોનાકાળમાં સંઘના સ્વયંસેવકો જે રીતે નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરી છે તે સાચું હિન્દુત્વ છે. ભારતની સમસ્યાઓના સમાધાન માટે હિન્દુ સમાજ સંગઠિત થાય તે જરૂરી છે. આપણે બધા ભારત માતાના સંતાનો છે અને હિન્દુ એટલે કે સનાતન સંસ્કૃતિને માનનારા લોકો છે. સનાતન સંસ્કૃતિના સંસ્કાર વિશ્વનું કલ્યાણ કરી શકે છે. શાંતિ અને સત્ય હિન્દુઓની વિચારધારા છે. આપણે હિન્દુ નથી તેવું અભિયાન દેશ અને સમાજને નબળો પાડવા માટે ચલાવવામાં આવી રહ્યું છે.
ભાગવતે કહ્યું હતું કે, સંઘના સ્થાપક ડો.હેડગેરવારે અનુભવ કર્યો હતો કે, ભારતની જે વિવિધતા છે તેમાં એકતાનો ભાવ રહેલો છે. યુગોથી આ પુણ્ય ભૂમિ પર રહેનારા પૂર્વજોના આપણે વંશજ છે અને આપણે બધા હિન્દુ છે. આ પ્રકારની ભાવના હિન્દુત્વ છે. ડો.હેડગેવારે પોતાના વ્યકતિગત સ્વાર્થને બાજુ પર મુકીને દેશ માટે કામ કરવાનો રસ્તો પસંદ કર્યો હતો.