સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર ચાલુ રહી છે. રાજ્યમાં રવિવાર, 19 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસાની આ સીઝનમાં 24.36 ઈંચ સાથે મોસમનો સરેરાશ 73.67% વરસાદ નોંધાયો હતો અને વરસાદની ઘટ માત્ર 19% રહી હતી. ગુજરાતના હવામાન વિભાગે રવિવારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની તથા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ થવાની શક્યતાઓ છે.
સોમવારે સવારથી જ અમદાવાદ પર કાળાડિબાંગ વાદળ ઘેરાયા હતા અને બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અનેક વિસ્તારોમાં એકાએક જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકાભડાકા સાથે શરુ થયેલા તોફાની વરસાદથી લોકો પલળવાથી બચવા આમથી તેમ દોડતા નજરે પડ્યા હતા.
રવિવારે ગુજરાતના 251 તાલુકામાંથી 89 તાલુકામાં ઓછામાં ઓછો 1મીમી વરસાદ નોંધાયો હતો. ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના હાલોલમાં 39 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વડોદરાના ડભોઈમાં 30 મીમી અને આણંદના આંકલાવમાં 30 મીમી વરસાદ નોંધાયો હતો.
રવિવાર, 19 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન અમદાવાદમાં ૧6 ઈંચ સાથે મોસમનો સરેરાશ ૫૫% વરસાદ નોંધાયો હતો અને વરસાદની ૪૩% ઘટ હતી. ગુજરાતમાં વરસાદ પછી 206 ડેમો પૈકી 71 ડેમોમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો.