પંજાબમાં મુખ્યપ્રધાન તરીકે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે દલિત નેતા ચરણજીતસિંહ ચન્નીને રાજ્યના નવા મુખ્યપ્રધાન બનાવવાની રવિવારે જાહેરાત કરી હતી. તેઓ 20 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. ચરણજીતસિંહ ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યપ્રધાન બનશે. પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે ટ્વિટ કરીને ચરણજીતસિંહ ચન્નીને મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ નેતૃત્વએ તમામ ચર્ચાઓ પર બ્રેક લગાવતા ચરણજીતસિંહ ચન્નીના નામની જાહેરાત કરી હતી. ચરણજીતસિંહ ચન્નીને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પસંદ કરાયા હતા.
ચમકૌર સાહિબ વિધાનસભા સીટથી ધારાસભ્ય ચરણજીતસિંહ ચન્ની પંજાબ સરકારમાં ટેક્નિકલ પ્રધાન રહી ચૂક્યા છે. રામદસિયા શીખ સમુદાય સાથે જોડાયેલા ચરણજીતસિંહ ચન્ની વર્ષ 2017માં 47 વર્ષની ઉંમરમાં કેપ્ટન અમરિંદર સિંહ સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા. તેઓ પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.
કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાના 24 કલાક બાદ આખરે પંજાબના નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુખજિંદરસિંહ રંધાવાનું નામ પંજાબના મુખ્યપ્રધાન રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું હોવાની ચર્ચા હતી.