ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે રાજ્યના વિવિધ જિલ્લામાં પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટરની નિમણુક કરવા ‘બને કોંગ્રેસ કી આવાઝ’ નામની એક ઝુંબેશ ચાલુ કરી છે. પક્ષના પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટર બનવા માટે ઉમેદવારોએ લેખિત અને મૌખિક પરીક્ષા પાસ કરવી પડશે
ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીના મીડિયા એન્ડ કમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન પંકજ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ‘બને કોંગ્રેસ કી આવાઝ’ ઝુંબેશના ભાગરૂપે કોંગ્રેસ નેતાઓની એક ટીમ સંભવિત પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટરની પસંદગી કરવા વિવિધ જિલ્લાની મુલાકાત લેશે. કોંગ્રેસના દરેક કાર્યકર્તા અને સમર્થકને પક્ષના પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટર બનવાની તક મળશે. દેશના બંધારણ, કોંગ્રેસના રાજકારણ પ્રત્યે કટિબદ્ધ અને જનતા સમક્ષ અસરકારક રીતે અવાજ રજૂ કરવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિ આ ઝુંબેશનો હિસ્સો બની શકે છે. બંને હોદ્દા માટે જિલ્લા સ્તરે લેખિત અને મૌખિક પરીક્ષા યોજવામાં આવશે અને પરીક્ષાની તારીખ ટૂંકસમયમાં જાહેર કરાશે.