ડર્બીમાં રહેતા અને 15 વર્ષની કિશોરીને સેક્સ કરવાના ઇરાદે ચાર કલાકની મુસાફરી કરી કાર્મર્થન ગયેલા 35 વર્ષીય મેડિકલ ડોક્ટર જમીલ રહેમાનને સગીર વયની બાળાને ગ્રુમ કરવાના આરોપ બદલ 20 મહિનાની જેલની સજા અને 10 વર્ષ સુધી સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં મૂકવાનો આદેશ આપ્યો હતો.
બે બાળકોના પિતા ડૉ. જમીલ રહેમાને બાળાને લલચાવવા માટે 2019માં નકલી સોશ્યલ મીડિયા પ્રોફાઇલ પરથી મેસેજ કર્યો હતો અને છોકરીને મળવા માટે કાર્મર્થન ગયો હતો. પરંતુ તે ત્યાં પહોંચતા જ બે પેડોફાઈલ હંટર્સે તેને પકડી લઇ પોલીસને સોંપી દીધો હતો.
જજ પોલ થોમસ ક્યુસીએ સ્વૉન્સી ક્રાઉન કોર્ટમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ‘’રહેમાને એપ્રિલ 2019માં 15 વર્ષની છોકરી સાથે સંપૂર્ણ જાતીય સંબંઘ બાંઘવાના એક માત્ર હેતુથી ચાર કલાકથી વધુની મુસાફરી કરી હતી.”
ત્યારબાદની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે 13 વર્ષની અન્ય છોકરીનો પણ સંપર્ક કર્યો હતો અને મળવા માટેનું સૂચન કર્યું હતું. તે સમયે જી.પી. બનવાની તાલીમ લઈ રહેલ ડૉ. રહેમાને તેના ટ્રાયલ દરમિયાન દાવો કર્યો હતો કે ‘’તે નિર્બળ છોકરીઓને મદદ કરવા માંગે છે અને તે ઇચ્છતો હતો કે 15 વર્ષીય કિશોરી સાઉથ વેસ્ટ વેલ્સના બીચીસની ટૂર ગાઇડ બને. તેણીને મળવાની વ્યવસ્થા કરતી વખતે તેણે રેસ્ટોરન્ટ શબ્દની હોટેલ સાથે ભેળસેળ કરી હતી.’’
જો કે, પોલીસ તપાસમાં તેની કારમાં ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અટકાવવાની ગોળીઓ અને ગુલાબના ફૂલ મળી આવ્યા હતા. રહેમાને દાવો કર્યો હતો કે ગોળીઓ તેની પત્ની માટે લીધી મેળવી છે, જે આ વર્ષે તેના ત્રીજા બાળકની અપેક્ષા ધરાવતી હતી.
જજ થોમસે સજા ફટકારતા કહ્યું હતું કે “તમે જ્યુરીને સમજાવવા માટે સ્પષ્ટપણે હાસ્યાસ્પદ ખુલાસાઓ કર્યા હતા. એક જીપી બનવાની તાલીમ લેતા માણસ તરીકે તમને ખબર હતી કે તમે સગીર વયની છોકરીઓ સાથે જે કરવા માગો છો તેની સંભવિત અસર વિષે તમે સારી રીતે જાણતા હશો. પરણિત પુરૂષ હોવાથી તમારો કોઈ પણ રોમેન્ટિક સંબંધોનો ઈરાદો નહોતો. તમે ફક્ત આ છોકરીઓનો ઉપયોગ તમારી જાતીય પ્રસન્નતા માટે કરવા માંગતા હતા. કદાચ તમને ડૉક્ટર તરીકે ચાલુ રહેવાની કે આ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા નથી.”
રહેમાન પાકિસ્તાની નાગરિક છે અને વર્ક વિઝા પર યુકેમાં આવેલો છે. તેણે જે છોકરીઓ નિર્દોષ હતી તેમને સ્પષ્ટ રીતે નિશાન બનાવી હતી.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ)એ કહ્યું હતું કે ‘’રહેમાને છોકરીને કિસિંગ અને આલિંગન બાબતે ટિપ્પણી કર્યા પછી નજીકમાં હોટેલનો રૂમ બુક કરાવ્યો હતો. જો કે તે કોઈ બાળકોને મળી શક્યો નહતો.’’
જનરલ મેડિકલ કાઉન્સિલે કહ્યું હતું કે ‘’રહેમાન તપાસ પૂરી થઇ ત્યાં સુધી સસ્પેન્ડ રહ્યા હતા. અમે ગુનાહિત ઠરનાર દોષિતોને અત્યંત ગંભીરતાથી લઇએ છીએ અને કસ્ટોડિયલ સજા મેળવનાર કોઈપણ ડોક્ટરને મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસમાં જાહેર સુનાવણી માટે બોલાવવામાં આવશે.”