જેટ એવરેઝ તેના નવા અવતારમાં 2022ના પ્રથમ ક્વાર્ટરથી ડોમેસ્ટિક ફ્લાઇટ ફરી ચાલુ કરવા માટે સજ્જ બની છે. કંપની આગામી વર્ષના બીજા છ મહિના સુધીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ફરી ચાલુ કરશે. કંપનીની પ્રથમ ફ્લાઇટ દિલ્હીથી મુંબઈની હશે.
કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને ફરી બેઠી કરવાની પ્રક્રિયા ટ્રેક પર છે. હાલના એર ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી)નું રિવેલિડેશન કરવામાં આવશે.
યુએઇ બિઝનેસમેન અને જેટ એરવેઝના ભાવિ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન મુરાલી લાલ જાલને જણાવ્યું હતું કે ” જેટ એરવેઝ 2.0એ આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ડોમેસ્ટિક ઓપરેશન્સ અને 2022ના ત્રીજા-ચોથા ક્વાર્ટર સુધીમાં ટૂંકા અંતરની ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી ચાલુ કરવાની યોજના બનાવી છે. અમે ત્રણ વર્ષમાં 50 વિમાન અને પાંચ વર્ષમાં 100 વિમાનની યોજના ધરાવીએ છીએ, જે કોન્સોર્ટિયમના ટૂંકા અને લાંબા ગાળાના બિઝનેસ પ્લાનને સંપૂર્ણ અનુરુપ છે.” લંડન સ્થિત જાલાન-કાલરોક કોન્સોર્ટિયમે ભારતની બંધ થયેલી આ એરલાઇનને ફરી ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
જાલાને જણાવ્યું હતું કે એવિયેશન ક્ષેત્રના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું છે કે આશરે બે વર્ષ કરતાં વધુ સમયથી બંધ પડેલી એરલાઇનને ફરી બેઠી કરવામાં આવી આવી હોય અને અમે આ ઐતિહાસિક સફરનો એક ભાગ બનવા આતુર છીએ.
જેટ એરવેઝ એક સમયે ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન હતી, પરંતુ જંગી દેવાને પગલે એપ્રિલ 2019માં તમામ ફ્લાઇટ બંધ કરવામાં આવી હતી. કંપની સ્લોટ એલોકેશન, જરૂરી એરપાર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાઇટ પાર્કિંગ માટે સત્તાવાળા અને એરપોર્ટ સાથે મંત્રણા કરી રહી છે. જેટ એરવેઝની ફરી બેઠી કરવાની યોજનાને જૂનમાં નેશનલ કંપનીઝ લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ મંજૂરી આપી હતી.