પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા સીટ પર મમતા બેનર્જી વિરુદ્ધ ભાજપે પ્રિયંકા ટિબરેવાલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. પેટાચૂંટણી મમતા બેનર્જીના મુખ્યપ્રધાન પદ પર રહેવા માટે ખૂબ મહત્વની છે. મેમાં આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તેમને નંદીગ્રામ સીટ પરથી હાર મળી હતી. જે બાદ તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા. મુખ્યપ્રધાન બન્યાના છ મહિનાની અંદર ધારાસભ્ય બનવું જરૂરી છે.
પ્રિયંકા વ્યવસાયે વકીલ છે અને ભાજપના નેતા બાબુલ સુપ્રિયોના કાયદાકીય સલાહકાર પણ રહી ચૂક્યા છે. બાબુલ સુપ્રિયોની સલાહ પર તેઓ ઓગસ્ટ ૨૦૧૪માં ભાજપમાં સામેલ થયા હતા.
પ્રિયંકા આ વર્ષે અંટલી વિધાનસભા સીટ પરથી ચૂંટણી પણ લડી હતી પરંતુ ટીએમસી ઉમેદવારથી લગભગ ૫૮ હજાર વોટથી હારી ગઇ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભવાનીપુર સીટથી ભાજપ મમતા વિરુદ્ધ પ્રિયંકા ટિબરેવાલ અને લોકેટ ચેટર્જી બન્નેમાંથી કોઇ એકને ટિકિટ આપવા અંગે મંથન કરી રહ્યું હતું. છેલ્લા સમયે પાર્ટીએ પ્રિયંકાના નામ પર મોહર મારી છે.