ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રારંભથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેનાથી દુકાળની ચિંતા હળવી થઈ છે. રાજ્યના કુલ 207 ડેમોમાંથી 14 ડેમો હાઇએલર્ટ પર મૂકાયા હતા. નર્મદા ડેમમાં ય જળસપાટી વધી રહી છે. બુધવારે 63 સેમીનો વધારો નોધાયો હતા અને નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર સુધી પહોચી હતી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં બુધવારે 14 ડેમો હાઇએલર્ટ પર મૂકાયાં હતા અને 7 ડેમો એલર્ટ પર હતા. જોકે, હજુ 49 ડેમો એવા છે જેમાં 10 ટકાથી ઓછુ પાણી ઉપલબ્ધ છે.
સપ્ટેમ્બરના પ્રારંભ પહેલા ગુજરાતમાં એવુ ચિત્ર ઉપસ્યું હતું કે,પીવાના પાણીની સમસ્યા સર્જાશે. વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભા પાક મૂરઝાઇ રહ્યા હતાં જેથી સિંચાઇના પાણી માટે પણ માંગ ઉઠી હતી.આ સ્થિતિમાંમાં ખેડૂતો ચિંતિત બન્યા હતાં.
જોકે પહેલી સપ્ટેમ્બર પછી મેઘરાજાની એન્ટ્રીથી સ્થિતિ બદલાઈ ગઈ છે. ડેમોમાં વરસાદી પાણીની આવક થઇ છે જેના કારણે જળસપાટી વધી છે. અમરેલીમાં ધાતરવાડી, બોટાદમાં ખંભાડા, રાજકોટમાં વેરી, ભાવનગરમાં ખેરો, તાપીમાં ડોસવાડા, દ્વારકામાં કાબરકા, અમરેલીમાં સૂરજવાડી, અમરેલીમાં ધાતરવાડી-2, રાજકોટમાં આજી-2 ,જૂનાગઢમાં બાંટવા ખેરો, અમરેલીમાં ખોડિયાર અને ગીર સોમનાથ જિલ્લામાં રાવલ ડેમ હાઇએલર્ટ પર મૂકાયા હતા. આ ડેમોમાં 99 ટકાથી વધુ પાણી ભરાયા હતા.
ગુજરાતમાં અત્યારે 207 ડેમોમાં પૈકી 10 ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. જોકે, હજુ ઉત્તર ગુજરાતમાં 15 ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી. કચ્છના ડેમોમાં ય આ જ સ્થિતિ છે. આ વિસ્તારના ડેમોમાં હાલ 23.61 ટકા જ પાણીનો જથ્થો છે. હાલ ગુજરાતના ડેમોમાં કુલ મળીને 56.55 ટકા પાણી છે.