અમેરિકાની ઓટો કંપનીઓ ભારતમાં બિઝનેસ કરવામાં નિષ્ફળ રહેતી હોવાનું બીજી એક મોટુ ઉદાહરણ જોવા મળ્યું છે. જનરલ મોટર્સ અને હાર્લી ડેવિડસનની એક્ઝિટ બાદ હવે અમેરિકાની આઇકોનિક બ્રાન્ડ ફોર્ડ પણ ભારતના બજારમાંથી વિદાય લેશે. કંપની આગામી વર્ષના બીજા ક્વાર્ટર સુધી તેના સાણંદ અને ચેન્નાઇ ખાતેના પ્લાન્ટ બંધ કરી દેશે. તેનાથી બંને પ્લાન્ટના આશરે 4,000 કર્મચારીઓ અને સેલ્સ પોઇન્ટ્સના આશરે 40,000 કર્મચારી રોજગારી સામે જોખમ ઊભું થયું છે.
ફોર્ડ ભારતમાં 1995માં આવી હતી અને અત્યાર સુધી તેને 2.5 બિલિયન ડોલરનું રોકાણ કરેલું છે. પરંતુ ભારતના બજારમાં સ્પર્ધાનો સામનો કરી શકી ન હતી. કંપનીએ 2020-21માં 48,042 કારનું વેચાણ કર્યું હતું અને કાર માર્કેટમાં 1.8 ટકા હિસ્સો ધરાવતી હતી. ફોર્ડને અત્યાર સુધી બે અબજ ડોલરની ખોટ થઈ છે. બજારમાંથી એક્ઝિટ થવા આશરે 1.7 બિલિયનનો ખર્ચ થવાની ધારણા છે.
જોકે કંપનીએ વચન આપ્યું છે કે બંને પ્લાન્ટ બંધ થવાથી તેના આશરે 10 લાખ ગ્રાહકો માટે સર્વિસ અને આફટર સેલ્સ સર્વિસનો અંત નહીં આવે. કંપનીના આશરે 300 ડીલરશીપ ખુલ્લા રહેશે.
ફોર્ડ ઇન્ડિયાના એમડી અને પ્રેસિડન્ટ અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું હતું કે આ એક મુશ્કેલ નિર્ણય છે. અમે ઘણા પ્રયાસ કર્યા અને ઘણું વિશ્લેષણ કર્યું, પરંતુ અમે શેરહોલ્ડર્સ અને રોકાણકારોને યોગ્ય વળતર આપી શક્યા નથી. કંપનીના પુનર્ગઠન સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો.કંપનીની નવી વ્યૂહરચનાની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે કંપની મસ્ટાંગ કુપ જેવી આઇકોનિક કારની આયાત કરશે અને વેચાણ કરશે.
ફોર્ડે જણાવ્યું હતું કે ભાગીદારી, પ્લેટફોર્મ શેરિંગ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, પ્લાન્ટના વેચાણ સહિતના વિવિધ વિકલ્પોની વિચારણા કર્યા પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાન્ટના વેચાણની હજુ વિચારણા ચાલુ છે.
ફોર્ડ ઇન્ડિયા ભારતમાં આશરે 4,000 કર્મચારી ધરાવે છે. મેહરોત્રાએ જણાવ્યું હતું કે કંપની ચેન્નાઇ અને સાણંદના કર્મચારીઓ. યુનિયન, સપ્લાય, ડીલર, સરકાર અને બીજા હિતધારકો માટે યોગ્ય અને સંતુલિન પ્લાન ઘડવા તેમની સાથે મંત્રણા કરશે, જેથી પ્લાન્ટ બંધ કરવાની નિર્ણયથી તેમને ઓછી અસર થાય.ડીલર્સે જણાવ્યું હતું કે ફોર્ડના કર્મચારીઓ ઉપરાંત કંપનીના રિટેલ પોઇન્ટ્સના આશરે 40,000 કર્મચારીની રોજગારી પર જોખમ છે.
ભારતના બજારમાં મારુતિ, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા સારો બિઝનેસ કરી રહી છે ત્યારે ફોર્ડ બજારમાં પકડ જમાવવામાં નિષ્ફળ રહી હતી. કોરિયાની કિયા અને ચીનની એમજી મોટર્સે પણ ધમાકેદાર પ્રારંભ કર્યો છે.
ગુજરાત અને ભારતના બજારમાં સારી રીતે પગદંડો જમાવી શકાય તે માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે તેણે ટાઈ-અપ કર્યું હતું.પરંતુ આ જોડાણ પણ 12થી 14 મહિના માટે જ ટકી શક્યું હતું. તેના પ્રમાણમાં તેને માર્કેટ મળતું નહોતું.