સરકારની જોઇન્ટ કમિટિ ઓન વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન્સ (JCVI)એ ગંભીર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોવિડ રસીનો ત્રીજો ડોઝ આપવાની ભલામણ કરી છે. એક અંદાજ મુજબ 12 અને તેથી વધુ વયના 4 થી 5 લાખ દર્દીઓ યુકેમાં લાયક છે.
જેસીવીઆઈએ આ ત્રીજા ડોઝ માટે દર્દીઓની વ્યાપક યાદી તૈયાર કરી છે. જેમાં 12 અને તેથી વધુ ઉંમરના લ્યુકેમિયા, લિમ્ફોમા, એચ.આઇ.વી/એઇડ્સને કારણે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, તાજેતરમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર લોકો, ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી ધરાવતા અને સ્ટેરોઇડ્સનો ઉચ્ચ ડોઝ ધરાવતા લોકોને રસી અપાશે.
આ બૂસ્ટર જેબ્સ નથી, પરંતુ યુકેની 1 ટકા કરતા ઓછી વસ્તીને પ્રાયમરી વેક્સિનેશનના સમયપત્રકના ભાગરૂપે ત્રીજા શોટ આપવામાં આવશે. કમિટિ ઑટમમાં બૂસ્ટર કાર્યક્રમ સાથે આગળ વધવું કે નહીં તે માટે ચર્ચા કરી રહી છે.
જૂનમાં, સલાહકારોએ NHS ને ઉનાળામાં અંતિમ નિર્ણય સાથે સપ્ટેમ્બરની શરૂઆતમાં શરૂ થનારા બે-તબક્કાના બૂસ્ટર કાર્યક્રમની તૈયારી કરવા વિનંતી કરી હતી. જો કે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગ્લાસગો યુનિવર્સિટીની આગેવાની હેઠળના તાજેતરના ઓક્ટેવ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા 40 ટકા લોકોમાં કોવિડ વેક્સિનેશન માટે નબળી રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓ છે. એવી ચિંતા છે કે રસીના બે ડોઝ પછી પણ ઘણા લોકો કોવિડ સામે સંવેદનશીલ રહી શકે છે. પરંતુ કોવિડ રસીનો ત્રીજા ડોઝ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને સુરક્ષા સુધારવામાં મદદ કરી શકે છે.
જેસીવીઆઈ ફાઇઝર/બાયોએન્ટેક અને મોર્ડેના રસીનો ત્રીજો ડોઝ આપનાર છે. જે તંદુરસ્ત લોકોમાં મજબૂત રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે અને સારા સલામતી રેકોર્ડ ધરાવે છે.