અફઘાનિસ્તાનમાં શરિયા મુજબની તાલિબાન સરકારની તરફેણ કરતાં નિવેદનો બદલ જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુખ અબ્દુલ્લાની સોસિયલ મીડિયામાં લોકોએ આકરી ઝાટકણી કાઢી હતી. નવાઇની વાત એ છે કે આ બંને નેતાઓ ભારતમાં બિનસાંપ્રદાયિકતાની વાતો કરતાં હોય છે અને અફઘાનિસ્તાનમાં શરિયાના સિદ્ધાંત મુજબ સુશાસનની અપેક્ષા રાખે છે. ભાજપે પણ બંને નેતાઓની બેવડી નીતિની ટીકા કરી હતી.
મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે તાલિબાનોએ શરિયાના સાચા નિયમોનું પાલન કરવું જોઇએ, જે મહિલાઓ સહિત તમામ માટે હકોની ગેરંટી આપે છે.
અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારે ફારુખ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે તાલિબાન અફઘાનિસ્તાનમાં સારી સરકાર આપશે. આશા છે કે ઇસ્લામિક સિદ્ધાંતોનું પાલન કરીને નવી સરકાર માનવાધિકારોનું રક્ષણ કરશે. અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની નવી સરકાર તમામ દેશો સાથે સારા સંબંધો પર ભાર મૂકશે. તાલિબાનોએ અંકુશ મેળવી લીધો છે અને હવે તેમને દેશની સંભાળ રાખવી જોઇએ. મને આશા છે કે તેઓ તમામ સાથે ન્યાય કરશે.
આ નિવેદન બાદ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર પર ફારુખ અબ્દુલ્લા ટ્રેન્ડ થવા લાગ્યા હતા અને લોકોએ તેમના પર રોષ ઠાલવ્યો હતો. એક યુઝરે જણાવ્યું હતું કે આ બેવડી નીતિની આ પરાકાષ્ઠા છે. ભારતમાં બિનસાંપ્રદાયિક સરકાર રહે, પરંતુ અફઘાનિસ્તાનમાં મુસ્લિમ ધર્મના નિયમો અનુસાર સરકાર. તમે આવો તર્ક કેવી રીતે લાવ્યા. દેશ માટે સૌથી મોટો ખતરો તમે છો. કેટલાંક યુઝર્સે જણાવ્યું હતું કે અબ્દુલ્લા ખોટી આશા રાખીને બેઠા છે. તાલિબાનો પાસેથી ન્યાયની અપેક્ષા રાખી શકાય નહીં. તાલિબાન સરકાર જ ત્રાસવાદીઓની છે. સરકારમાં સામેલ બે પ્રધાન મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ છે.
કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા નિર્મલ સિંહે આ નિવેદન અંગે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ફારુખનું નિવેદન શરમજનક છે. મહિલાઓ અને લઘુમતીઓ પર તાલિબાનોનો અત્યાચાર જગજાહેર છે. અબ્દુલ્લા એવા લોકોમાં સામેલ છે કે જેઓ મુસ્લિમોની લઘુમતી છે માત્ર તેવા જ દેશોમાં બિનસાંપ્રદાયિકતા ઇચ્છે છે.