New law proposed to end racial discrimination in California
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એફબીઆઇના તાજેતરના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, અમેરિકામાં 2020માં હેટ ક્રાઇમની ઘટનાઓ વધીને 12 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી છે, જે એશિયન તથા બ્લેક પીડિતોને ટાર્ગેટ કરતા હુમલાઓથી પ્રેરિત છે.

ફેડરલ એજન્સીએ ગયા વર્ષે એકંદરે 7,759 હેટ ક્રાઇમની ઘટનાઓની નોંધણી કરી હતી, જે વૈશ્વિક મહામારી, પ્રેસિડેન્ટપદની વિવાદિત ચૂંટણી અને અનિશ્ચિત અર્થતંત્રના 12 મહિનામાં નોંધાઈ હતી. આવી ઘટનાઓમાં 2019ની તુલનાએ 6 ટકાનો વધારો દર્શાવે છે અને તે 2008 પછી સૌથી વધુ છે. એ વખતે 7,783 હેટ ક્રાઇમની ઘટનાઓ નોંધાઈ હતી.

છેલ્લા સાત વર્ષમાં હુમલાની સંખ્યામાં છ વાર વધારો થયો છે. ફેડરલ આંકડા મુજબ 2014થી નોંધાયેલી હેટ ક્રાઇમની ઘટનાઓની સંખ્યામાં લગભગ 42 ટકાનો વધારો થયો છે.

આંકડાઓ દર્શાવે છે કે, બ્લેક સમુદાયને ટાર્ગેટ બનાવતા હુમલા 1,930 થી વધીને 2,755 થયા છે તો એશિયનોને ટાર્ગેટ બનાવતા હુમલાની સંખ્યા 158થી વધીને 274 થઈ છે. નાગરિક અધિકાર જૂથોએ વ્હાઈટ નેશનાલિઝમમાં વધારો અને દેશભરમાં હિંસક ગુનાના સ્તરમાં વધારા વચ્ચે લઘુમતીઓ પ્રત્યે વધતી દુશ્મનાવટની ચેતવણી આપી છે.

એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ હેટ ક્રાઇમ તથા અન્ય પૂર્વગ્રહ સંબંધિત ઘટનાઓ સમગ્ર સમાજમાં ડર ઊભો કરે છે અને આપણું લોકતંત્ર જેના પર ઊભું છે તે સિદ્ધાંતોને નબળા પાડે છે.’ તેમણે ઘટનાની નોંધ સુધારવા અને કાયદા નાઅમલીકરણની તાલીમ વધારવા માટે જસ્ટિસ ડીપાર્ટમેન્ટે લીધેલા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસે આદેશ આપ્યો છે કે સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓના રીપોર્ટના આધારે FBI વાર્ષિક હેટ ક્રાઇમના આંકડા એકત્રિત કરે. 2020માં તે પ્રયાસો કરનારી એજન્સીઓની સંખ્યા સતત બીજા વર્ષે ઘટીને 15,136 થઈ, જે 2019ની તુલનાએ 422 ઓછી છે. જે એજન્સીઓએ પ્રયાસ કર્યો હતો તે પૈકીની મોટાભાગના એજન્સીઓએ એ કોઈ હેટ ક્રાઇમની નોંધણી કરી નથી.

કોંગ્રેશનલ ડેમોક્રેટ્સ અને નાગરિક અધિકારોના હિમાયતીઓએ હેટ ક્રાઇમ અને પક્ષપાતની અન્ય ઘટનાઓમાં મોટી ખામી તરીકે તેની ટીકા કરી છે અને કહ્યું છે કે સ્થાનિક પોલીસને હેટ ક્રાઇમ કેવી રીતે ઓળખવી અને તેની નોંધ કેવી રીતે કરવી, તેમાં નબળી તાલીમ આપવામાં આવે છે અને તેમની પાસે પૂરતા સંસાધનો અથવા રૂચિનો અભાવ જોવા મળે છે.