જુનુ હિન્દી ફિલ્મનું ગીત ‘દુખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે’ જાણે કે હવે સાચુ પડી રહ્યું છે. લાગલગાટ 18 મહિના કોવિડ-19 રોગચાળાના કારણે લદાયેલા લોકડાઉન, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ, ખાણી-પીણીની અછત, સ્વજનોના મૃત્યુ અને હોસ્પિટલાઇઝેશન્સ પછી હવે સ્થિતી ધીમેધીમે પૂર્વવત થઇ રહી છે. કોરોનાવાઇરસ રોગચાળો શમી રહ્યો છે ત્યારે દેશના પાટનગર લંડનમાં કામ-ધંધે જવા માંગતા લોકોથી રોડ પરનો ટ્રાફિક અને ટ્યુબ મુસાફરી કૂદકેને ભુસ્કે વધી રહી છે. દેશના મોટા ભાગના એમ્પ્લોયર્સે સ્ટાફને ઓફિસે કે કામના સ્થળે પાછા ફરવા અપીલ કરી છે. પ્રોપર્ટી માર્કેટ, મકાનોના રીપેરીંગ અને રીફર્બીશમેન્ટથી લઇને હોસ્પિટાલીટી ક્ષેત્રે તેજી જણાઇ રહી છે. હાઇ સ્ટ્રીટ પર ફૂટફોલ વધી રહ્યા છે. ઘણાં લોકોએ હોલીડે માણ્યા બાદ શાળાઓ ખુલતા વિદ્યર્થીઓમાં પણ ઉમંગ જણાઇ રહ્યો છે.
લંડનમાં આવેલી કંપનીઓ અને બિઝનેસીસે પોતાના કર્મચારીઓને ઓફિસે કે કામના સ્થળે આવીને કામ કરવા જણાવતા હજારો મુસાફરો લંડન પરત થયા છે. મોટી કંપનીઓએ સ્ટાફને સ્કૂલ હોલીડેઝ સમાપ્ત થયા બાદ પ્રથમ સોમવારે કર્મચારીઓને કામ પર પાછા ફરવા કહ્યું હતું. યુકેના કેટલાક મોટા એમ્પ્લોયર્સે પોતાના સ્ટાફને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ ઓફિસે કામ પર આવવા અપીલ કરી છે. જો કે અમુક એકાઉન્ટન્ટ્સ BDO સહિતની કંપનીઓ તેમના સ્ટાફને ઘરેથી અથવા ઓફિસમાંથી કામ કરવાની પસંદગી કરવાની મંજૂરી આપશે તેમ લાગે છે.
નામાંકિત ફર્મ કેપીએમજીએ કહ્યું છે કે તે ફ્લેક્સીબલ છે અને ડેલોઇટે કર્મચારીઓને ઓફિસમાં પાછા લાવવા માટે દિવસોની ચોક્કસ સંખ્યા નક્કી કરી નથી. એ જ રીતે, ગોલ્ડમેન સેશની ઓફિસમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સ્ટાફની સંખ્યામાં ‘સતત વધારો’ નોંધાઇ રહ્યો છે. લગભગ 12,000 લોકોનો સ્ટાફ ધરાવતી અને શહેરના સૌથી મોટા એમ્પલોયર્સમાંની એક જેપી મોર્ગનના એક વરિષ્ઠ કર્મચારીએ જણાવ્યું હતું કે કંપનીએ સ્ટાફને કામ પર પરત લાવવા માટે નાસ્તા અને ભોજન જેવી ‘ગુડીઝ’ ઓફર કરી કર્મચારીઓને પરત ફરવા વિનંતી કરી છે.
30 સપ્ટેમ્બરે ફર્લો યોજનાનો અંત આવી રહ્યો છે ત્યારે બિઝનેસીસ તે માટે તૈયારી કરી રહ્યા છે. ફર્લો સ્કીમ સમાપ્ત થયા બાદ કામ પર પાછા ફરતા લોકોનો દર વધે તેવી શક્યતા છે.
ડેઇલી મેઇલના ઓડિટ મુજબ અડધા મિલિયનથી વધુ સ્ટાફને રોજગારી આપતી યુકેની સૌથી મોટી 18 કંપનીઓની ઓફિસના અડધા કર્મચારીઓ આ અઠવાડિયે પરત આવે તેવી અપેક્ષા છે. તેમાંની નવ કંપનીઓએ બને એટલા જલ્દીથી અને વધુ ત્રણ કંપનીઓએ સપ્ટેમ્બરના અંત સુધી સ્ટાફને પરત આવવા જણાવ્યું છે. સેઇન્સબરી, બ્રિટિશ પેટ્રોલિયમ અને સંખ્યાબંધ બેંકો તથા ઇન્વેસ્ટમેન્ટ હાઉસમાં કામ કરતા હજારો કર્મચારીઓ ઓછામાં ઓછા એક દિવસ માટે ઓફિસે પરત ફર્યા છે. તો વોડાફોન અને ડેલોઇટ પ્રથમ વખત તેમની ઓફિસ સંપૂર્ણપણે ખોલશે. ખાનગી ક્ષેત્રના બિઝનેસીસ માને છે કે હવે શાળાની રજાઓ સમાપ્ત થઇ છે અને દરેકને બે રસી આપવામાં આવી છે ત્યારે લોકોએ ફરી ઓફિસે આવતા થવું જોઇએ.
ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ નેતા સર ઇયાન ડંકન સ્મિથે ચેતવણી આપી હતી કે ‘’જો ઓફિસ સ્ટાફ તેમના ડેસ્ક પર પાછો નહીં આવે તો હોસ્પિટાલીટી ક્ષેત્રમાં હજારો ઓછા પગારવાળા કર્મચારીઓ અઠવાડિયાની અંદર બેકાર થઈ જશે. જો આપણે કોવિડથી ડરીને આપણું આખું જીવન વિતાવશું તો આ અર્થવ્યવસ્થા નીચે ઉતરી જશે.’’
34,000 લોકોનો ઓફિસ સ્ટાફ ધરાવતી નેટવેસ્ટ બેન્કે જણાવ્યું હતું કે હાલમાં ઓફિસમાં ખૂબ જ ઓછો સ્ટાફ આવી રહ્યો છે, પરંતુ તે 13 સપ્ટેમ્બરથી ‘ક્રમશ ઓફિસે પરત’ થવા દબાણ કરી રહ્યા છે. જો કે હવે આપણે નજીકના ભવિષ્માં હાઇબ્રિડ વર્કિંગ એટલે કે ઓફિસ અને હોમ વર્કિંગનું મિશ્રણ રહેશે અને તે જ ભવિષ્ય છે.
કેનેરી વૉર્ફ ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમનું ફાઇનાન્સીયલ ડિસ્ટ્રીક્ટ માર્ચ 2020 પછી પહેલી વખત વ્યસ્ત જણાયું હતું. સેન્ટ્રલ લંડનનું વિખ્યાત સ્કવેર માઇલ જ્યાં છે તે સિટી ઓફ લંડન કોર્પોરેશનના પોલીસી હેડ કેથરિન મેકગિનેસે જણાવ્યું હતું કે, ‘’આ વિસ્તાર ફરી ગુંજી રહ્યો છે, શેરીઓમાં લોકોની સંખ્યા વધી રહી છે અને ઓફિસે ફરી જીવંત થવા લાગી છે. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ ઑફિસમાં પાછા આવે.”
લંડનમાં 20 આઉટલેટ્સ ધરાવતી પ્યોર કાફે ચેઇનના બોસ સ્પેન્સર ક્રેગે જણાવ્યું હતું કે પખવાડિયા પહેલાની સરખામણીમાં સોમવારે અમારી દુકાનોમાં વેચાણ 30 ટકા વધ્યું હતું. પિઝા એક્સપ્રેસે કહ્યું કે તેના રેસ્ટોરન્ટ ગ્રુપનો વેપાર 2019ના સ્તરથી આગળ છે. રાજધાનીમાં રીકવરીના બીજો સંકેત તરીકે બ્રિટિશ એરવેઝ અને જર્મન કેરિયર લુફથાંસાએ લંડન સિટી એરપોર્ટથી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે જેનો મોટાભાગે બિઝનેસ લીડર્સ લાભ લે છે.
સરકારે સત્તાવાર ‘વર્ક ફ્રોમ હોમ’ માર્ગદર્શન 19 જુલાઈના રોજ દૂર કરી બિઝનેસીસને સમરથી ધીરે ધીરે ઓફિસો શરૂ કરવા ભલામણ કરી હતી. પરંતુ વ્હાઇટહૉલની ઓફિસમાં જ સ્ટાફની સંખ્યા હજુ પણ ‘ખૂબ ઓછી’ છે. સિવિલ સર્વિસ ચીફ્સ અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડે તેમના સ્ટાફને પરત લાવવાની યોજનામાં વિલંબ કર્યો છે.
સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે ‘સિવિલ સર્વિસ તાજેતરના સરકારી માર્ગદર્શનને અનુસરે છે. કોવિડના સંક્રમણના જોખમને ઘટાડવા માટે યોગ્ય પગલાં લઈને, અમે કામના સ્થળે કે ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો કરી રહ્યા છીએ. તેની સાથે વર્ક ફ્રોમ હોમની સુગમતા પણ જાળવી રાખીએ છીએ.’