શારીરિક ફિટનેસ માટે હંમેશા સક્રિય રહેતી મલાઇકા અરોરાએ જણાવ્યું છે કે, અત્યારે નાના શહેરમાં રહેતી યુવતીઓ માટે વર્ચ્યુઅલ ઓડિશન આપવું ફાયદાકારક બની ગયું છે. મલાઇકાએ પોતાની કારકિર્દીની શરૂઆત મૉડેલિંગથી કરી હતી. પછી તેના દ્વારા તેણે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે હવે એમટીવી પર આવનારા ‘સુપર મૉડલ ઑફ ધ યર’ની બીજી સીઝનમાં નિર્ણાયકની ભૂમિકા ભજવશે.
આ સીઝન વિશે મલાઇકાએ કહ્યું હતું કે, ‘અમારી પાસે એક એકથી ચડિયાતી છોકરીઓનાં લાઇનઅપ્સ છે. તમે જ્યારે વર્ચ્યુઅલ ઑડિશન્સ લો છો ત્યારે ખૂબ નાના શહેરોમાંથી છોકરીઓ તમારી પાસે આવે છે. આ સમયે છોકરીઓ માટે ભાગ લેવા માટે પહોંચવું અઘરું છે. જોકે હવે વર્ચ્યુઅલ હોવાથી તેમને માટે એ સરળ બની જાય છે. આ વખતનો કન્સેપ્ટ ‘તમે અપરાધભાવથી મુક્ત છો’ એ મને ગમ્યો છે. એનાથી છોકરીઓને પ્રોત્સાહન મળે છે.’
ઑડિશન આપનાર છોકરીઓ વિશે માહિતી આપતાં મલાઇકાએ કહ્યું હતું કે, ‘કેટલીક તો એક શબ્દ પણ નથી બોલી શકતી, કેટલી છોકરીઓએ તો કદી કૅમેરાનો સામનો પણ નથી કર્યો. કદી મેકઅપ કે હેરસ્ટાઇલ પણ નથી કરી હોતી. કેટલીક છોકરીઓ એવા પરિવારમાંથી આવે છે જેમને ઘરની બહાર જવાની મંજૂરી નથી મળતી અથવા તો અનેક પ્રતિબંધ હોય છે. તેમને આ બધાં બંધનોથી બહાર નીકળતાં જોવાનું સારું લાગે છે. મને એ વાતની ખુશી થાય છે કે તેઓ પોતાની સીમાની બહાર નીકળી રહી છે.’