અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલગીરીનો વિરોધ કરવા મંગળવારે કાબુલમાં સેંકડો લોકોએ પાકિસ્તાન વિરોધી રેલી કાઢી હતી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
કાબુલના રસ્તાઓ પર લોકો પાકિસ્તાન મુર્દાબાદ, આઝાદી અને સપોર્ટ પંજશીરના સૂત્રો પોકારતા નજરે પડ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અફઘાનના લોકો દેશમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો સોમવારે વિરોધ પ્રદર્શન કરવા કાબુલ સ્થિત પાકિસ્તાન દુતાવાસ પાસે પહોંચ્યા હતા જ્યાં તેમણે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. રિપોર્ટ મુજબ વિરોધ-પ્રદર્શન કરી રહેલા આ લોકોને વિખેરવા માટે તાલિબાનોએ ગોળીઓ વરસાવી હતી.
સ્થાનિક મીડિયના અહેવાલ મુજબ વિરોધ પ્રદર્શન માટે હજારો પુરૂષો તેમજ મહિલાઓ એકત્ર થયા હતા. આ લોકો અફઘાનિસ્તાનમાં એક સ્વતંત્ર સરકાર ઈચ્છે છે અને કોઈ પાકિસ્તાનની કઠપૂતળી નથી બનવા માંગતું. લોકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન છોડો તેવા સૂત્રો પોકારતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનને સરકાર રચવા વિલંબ થઈ રહ્યો છે જેને પગલે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ 4 સપ્ટેમ્બર કાબુલની મુલાકાત લીધી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હમીદે તાલિબાનના આકાઓ સાથે વાતચીત કરી છે અને તેમણે સરકારમાં હક્કાની નેટવર્કના યોગ્ય પ્રતિનિધિઓને સ્થાન આપવા જણાવ્યું છે.