અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો પાયો નાંખવાની કામગીરી આ વર્ષે સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પૂરી થશે અને રામલલ્લા ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ પછી પૂજા વિધિ ચાલુ થશે અને ભક્તો દર્શન કરી શકશે, એમ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના નેતાએ સોમવારે જણાવ્યું હતું.
પત્રકારો સાથે વાતચીત કરતાં વીએચપીના રાષ્ટ્રીય મહામંત્રી મિલિંદ પરાન્દેએ જણાવ્યું હતું કે મંદિરના નિર્માણને સમય લાગશે, પરંતુ ડિસેમ્બર 2023 સુધી ગર્ભગૃહ તૈયાર થઈ જશે તથા પૂજા વિધિ ચાલુ થઈ જશે. અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કાર્ય નિર્ધારિત સમય કરતાં વધુ ઝડપથી ચાલી રહ્યું છે.
શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ રામંદિરના નિર્માણની કામગીરી પર દેખરેખ રાખી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020માં ભૂમિપૂજન વિધિ કરી હતી. રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ અગાઉ જણાવ્યું હતું કે મિરઝાપુરના પિન્ક પથ્થરો સાથે આ વર્ષના ડિસેમ્બરમાં બેઝ પ્લિન્થની કામગીરી ચાલુ થશે. તેમણે જણાવ્યું હતું કે 400 ફુટ લંબાઈ અને 300 ફુટ પહોળાઈ સાથે મંદિરનો પાયો 50 ફૂટ ઊંડો હશે તથા સિમેન્ટ અને રેતીના મિક્ચરના 10 ઇંચના આશરે 50 સ્તર હશે.