આરએસએસ અને તાલિબાનની સરખામણી કરતાં ગીતકાર જાવેદ અખ્તરના નિવેદન પછી ઊભા થયેલા વિવાદમાં શિવસેનાએ પણ ઝુકાવ્યું છે. શિવસેનાએ સોમવારે જણાવ્યું હતું કે જાવેદ અખ્તરે તાલિબાન સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સરખામણી કરી તે સંપૂર્ણપણે ખોટું છે. તાલિબાન સાથે હિન્દુત્વની સરખામણી હિન્દુ સંસ્કૃતિનું અપમાન છે.
શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં જણાવ્યું હતું કે હિન્દુરાષ્ટ્રની વિચારધારાની તરફેણ કરતાં લોકો તાલિબાની માનસિકતા ધરાવે છે, તેવું કઈ રીતે કહી શકાય. અમે આની સાથે સંમત નથી.
જાવેદ અખ્તરે તાજેતરમાં આરએસએસનું નામ લીધા વગર જણાવ્યું હતું કે વિશ્વભરના જમણેરી વિચારધારા ધરાવતા લોકોમાં એક સમાનતા છે. તાલિબાનો ઇસ્લામિક દેશ ઇચ્છે છે. આ લોકો હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે.
સામનાના તંત્રીલેખમાં આ અંગે જણાવવામાં આવ્યું હતું કે જાવેદ અખ્તર બિનસાંપ્રદાયિક છે અને કટ્ટરવાદની વિરુદ્ધમાં બોલે છે, પરંતુ તાલિબાન સાથે આરએસએસની સરખામણી સંપૂર્ણપણે અયોગ્ય છે. તેમાં વધુમાં જણાવાયું છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા ધર્મને આધારે થયા હતા. હિન્દુ રાષ્ટ્રને સમર્થન આપતા લોકો માત્ર એવું ઇચ્છે કે હિન્દુ બહુમતીની અવગણના ન થાય. હિન્દુત્વ એક સંસ્કૃતિ છે અને આ ધર્મના લોકો આ સંસ્કૃતિ પર હુમલા કરતાં લોકોને અટકાવવાનો હક માગે છે.
સામનામાં જણાવાયું છે કે આ દેશમાં હિન્દુઓની બહુમતી હોવા છતાં અમે ધર્મનિરપેક્ષતાનું પાલન કરીએ છીએ. આરએસએસ સાથે મતભેદ હોઇ શકે છે, પરંતુ તેની વિચારધારાની તાલિબાન સાથે સરખામણી સંપૂર્ણપણે ખોટી છે.