અફઘાનિસ્તાનના પંજશીરમાં આશરે 600 તાલિબાન ત્રાસવાદીના મોત થયા છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. તાલિબાનો આ પ્રાંત પર કબજો મેળવવા માટે ત્યાના સ્થાનિક લશ્કરી દળો સાથે લડાઈ કરી રહ્યા છે. તાલિબાન એવો દાવો કરી રહ્યું છે કે, તેના ફાઈટર્સે પંજશીરને પોતાના કબજામાં લઈ લીધું છે, પરંતુ અફઘાનિસ્તાન પ્રતિરોધી મોરચો આ દાવાને નકારી રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનો સરકાર બનાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે ત્યારે અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ માર્ક મિલેએ અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકા વ્યક્ત કરી છે.
અફધાન પ્રતિરોધી મોરચાના પ્રવક્તા ફહીમ દશ્તીએ ટ્વીટમાં લખ્યું હતું કે, તેમના ફાઈટર્સે 600 કરતા વધારે તાલિબાનીઓના ઢીમ ઢાળી દીધા છે. એક હજાર કરતા વધારે આત્મ સમર્પણ કરી દીધું છે. આ લડાઈ શનિવારે થઈ હોવાનું જણાવાયું છે.
બીજી બાજુ તાલિબાનના કહેવા પ્રમાણે તેણે પંજશીરના 7 પૈકીના 4 જિલ્લા પર કબજો જમાવી દીધો છે. તાલિબાની નેતાના કહેવા પ્રમાણે તેમની લડાઈ ચાલુ હતી અને ફાઈટર્સ ગવર્નર હાઉસ તરફથી આગળ વધી રહ્યા હતા પરંતુ રસ્તામાં બારૂદની સુરંગના કારણે લડાઈ ધીમી પડી ગઈ હતી.
અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ માર્ક મિલેએ અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં જે રીતની સ્થિતિ છે તેનાથી બહુ જલ્દી ગૃહ યુદ્ધ છેડાઈ શકે છે.