ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકા અથવા ફાઇઝર/બાયોએન્ટેક રસીના પ્રથમ ડોઝ કરતાં કોરોનાવાયરસના ચેપને કારણે લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે એમ એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ સંશોધનમાં ડિસેમ્બર 2020 અને એપ્રિલ 2021ની વચ્ચે રસીનો પ્રથમ ડોઝ લેનાર 29 મિલિયનથી વધુ લોકોના તારણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ક્લિનિકલ એપિડેમીઓલોજી એન્ડ જનરલ પ્રેક્ટીસના પ્રોફેસર અને પેપરના મુખ્ય લેખક જુલિયા હિપ્પીસ્લી-કોક્સે કહ્યું હતું કે ‘’લોકો કોવિડ-19 રસીકરણ પછી આ વધતા જોખમોથી વાકેફ હોવા જોઈએ અને જો તેમનામાં લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. પરંતુ એ ધ્યાન રાખવું જરૂરી છે કે જો તેઓ SARS-CoV-2 થી સંક્રમિત થાય તો જોખમ નોંધપાત્ર રીતે વધારે છે અને તે લાંબા સમય સુધી ચાલે છે.’’
આ અભ્યાસમાં ઓછી પ્લેટલેટ કાઉન્ટ સાથેની સ્થિતિ થ્રોમ્બોસાયટોપેનિયાને આવરી લેવામાં આવ્યું છે. કોવિડ-19ના રસીકરણ બાદ થ્રોમ્બોએમ્બોલિક ઘટનાઓ (લોહીના ગંઠાવાનું)ના કારણે ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકા અને ભારતમાં ઉત્પાદન કરાયેલ કોવિશિલ્ડ રસી પર સંખ્યાબંધ દેશોમાં શરૂમાં પ્રતિબંધ લગાવાયો હતો. બ્રિટિશ મેડિકલ જર્નલમાં આ અભ્યાસ પ્રકાશીત કરાયો હતો. તારણો કહે છે કે આ બંને રસીઓ જો પ્રથમ ડોઝ પછી ટૂંકા સમયના અંતરાલે લેવામાં આવે તો કેટલાક લોકોને હિમેટોલોજિકલ અને વાસ્ક્યુલર તકલીફ થઇ શકે છે જે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુ તરફ દોરી જાય છે.