યુકેના વોટફોર્ડ ખાતેના ઇસ્કોન ભક્વિવેદાંત મનોરમાં 28થી 30 ઓગસ્ટ દરમિયાન ભગવાન શ્રી ક્રિષ્નના જન્મોત્સવની ઉજવણી કરવા વાર્ષિક જન્માષ્ટમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.
આ તહેવારની સુરક્ષિત ઉજવણી માટે મંદિરના મેનેજમેન્ટે સ્થાનિક હેલ્થ ઓથોરિટી અને હર્ટ્સમીયર કાઉન્સિલ સાથે સહયોગ સાધ્યો હતો. ઉત્સવની ઉજવણી એવી રીતે કરવામાં આવી હતી કે વધારે ભીડ એકઠી ન થાય. સોસિયલ ડિસ્ટન્સિંગ માટે ત્રણ દિવસ સુધી ભક્તોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી હતી. એક સમયે એક સ્થળે 4,500થી વધુ લોકો એકઠા થયા ન હતા. આ ઉજવણીમાં ત્રણ દિવસ દરમિયાન 35,000 લોકોએ ભાગ લીધો હતો.
આ ઉજવણીમાં સ્વયંસેવકો અને ભક્તો માટે ટેમ્પરેચર ચેકિંગ પોઇન્ટ્સ, હેન્ડ ક્લિનિંગ સ્ટેશન અને માસ્ક જેવા વધારાના પગલાં લેવામાં આવ્યા હતા. મેનેજમેન્ટની પ્રાથમિકતા તમામ લોકોને સુરક્ષિત રાખવાની હતી.
ટ્રાફિક મેનેજમેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક જામ ન થાય તે માટે ત્રણ દિવસ સુધી મર્યાદિત મુલાકાતીઓની ગોઠવણ કરવામાં આવી હતી.
ટેમ્પલના પ્રેસિડન્ટ પૂજ્ય વિસાખા દાસીએ જણાવ્યું હતું કે “ભક્તિવેદાંત મનોરની મુલાકાત લઈને મોટી સંખ્યામાં લોકોએ દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો તે ઘણું અદભૂત છે. સમર્પણ અને સેવાથી આ ઉત્સવને શક્ય બનાવનારા હજારો સ્વયંસેવકોનું હું આભાર માનું છું.”
કાર પાર્કિંગ ટીમમાં સ્વયંસેવક તરીકે કાર્ય કરનાર બ્રેન્ટના 21 વર્ષીય અંબિકાએ જણાવ્યું હતું કે હું એક વર્ષથી મંદિરમાં સેવા આપી શકી ન હતી, પરંતુ આ વખતે ઉત્સવને સુરક્ષિત અને સફળ બનાવવા મારા મિત્રો સાથે સેવા કરી શકી તેનો આનંદ છે. હેરોના 83 વર્ષીય લીલાબેન પટેલે મનોરના કિચનમાં શાકભાજી સમારવાની સેવા કરી હતી. આ ઉત્સવ દરમિયાન 20 ટન વેજિટેબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.