ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટરે ભારતમાં દર વર્ષે સરેરાશ 300 ટન સોનાની દાણચોરી થતી હોવાનો અંદાજ મૂક્યો છે, જેનાથી સરકારી તિજોરીને 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ છે, કારણ કે ગેરકાયદેસર આયાતથી સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટીથી થતી આવક ગુમાવે છે.
સેન્ટરે વધુમાં જણાવ્યુ કે, વધી રહેલા સોનાની દાણચોરીના કામકાજ બુલિયન અને દાગીના વેપારને સુવ્યવસ્થિત કરવાના સરકારના પ્રયાસો પર પાણી ફેરવી રહ્યા છે. પરંપરાગત રીતે ઓછી જકાતથી પણ સરકારને જંગી આવક પ્રાપ્ત થાય છે. ચાલુ નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકારે બજેટમાં સોના પરની કસ્ટમ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરી છે, પરંતુ બીજી બાજુ કસ્ટમ ડ્યૂટી પર વધારાનો 2.5 ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેશ અને 10 ટકા સોશિયલ વેલ્ફર સરચાર્જ લાદયો છે. તેના પરિણામસ્વરૂપ સોના પર કુલ કરબોજ જીએસટી સહિત માત્ર બે ટકા જ ઘટ્યો છે જે બજેટ પૂર્વે 16 ટકા હતો.