કાબુલ એરપોર્ટથી મંગળવારે પોતાના સૈનિકોને લઈને ઉપડેલા અમેરિકાના છેલ્લા પ્લેનની સાથે લગભગ 20 વર્ષથી ચાલી રહેલી સૈન્ય અભિયાનનો અંત આવ્યો હતો. અમેરિકાએ કાબુલ એરપોર્ટ ખાલી કરતાં તાલિબાનોએ હવામાં ગોળીબાર કરીને તેની ઉજવણી કરી હતી.
તાલિબાને દાવો કર્યો હતો કે તેને આ જંગમાં જીત મળી છે.અમેરિકાના તમામ સૈનિકોની આખરે અફઘાનિસ્તાનમાંથી વાપસી થઈ ગઈ છે અને તે સાથે જ અમેરિકાનુ અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી ચાલતુ લશ્કરી અભિયાન પણ પૂરૂ થયું છે.
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેને કહ્યું હતું કે, 17 દિવસમાં અમેરિકન સૈનિકોએ ઈતિહાસના સૌથી મોટા એરલિફ્ટ મિશનને સફળ બનાવીને આશરે 1.20 લાખ અમેરિકન નાગરિકો, સહયોગીઓ અને તેમના પરિવારજનોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા હતા. મેં વિદેશ પ્રધાનને કહ્યું છે કે, આપણા આંતરરાષ્ટ્રીય ભાગીદાર દેશો સાથે સંકલન કરે, જેથી અમેરિકન, અફઘાન તેમજ બીજા વિદેશી નાગરિકો માટે સુરક્ષિત રીતે બહાર આવવાનો રસ્તો નક્કી કરી શકાય.
બાઈડેને કહ્યું હતું કે, આવતીકાલે બપોરે હું અફઘાનિસ્તાનમાં અમેરિકાની ઉપસ્થિતિને આગળ નહીં કેમ વધારવી જોઈએ તે અંગે લોકોને સંબોધન કરીશ. જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને બહાર નિકળવા માટે કાબુલ એરપોર્ટને ફરી ખોલવા માટે અમેરિકા પોતાના સાથી દેશો સાથે સંપર્કમાં રહેશે.
અમેરિકાનુ કહેવું છે કે, હવે અફઘાનિસ્તાનમાં માત્ર 200 અમેરિકન નાગરિકો રહ્યા છે. જેઓ અફઘાનિસ્તાન છોડવા માંગતા હશે તો તેમને બહાર કાઢવા માટે અમેરિકા પ્રયત્નો ચાલુ રાખશે. આ સાથે અફઘાનિસ્તાનની જગ્યાએ અમેરિકાએ પોતાનુ ડિપ્લોમેટિક મિશન કતારથી શરૂ કર્યુ છે.
તજજ્ઞોનું કહેવું છે કે,આ જંગમાં અમેરિકાએ સૈન્ય અભિયાનો પર એક ટ્રિલિયન ડોલર ખર્ચ કર્યો. તે ઉપરાંત લોન અને અન્ય ખર્ચાનો સરવાળો કરાય તો અમેરિકા કુલ 2.26 ટ્રિલિયન ડોલર અફઘાનિસ્તાનમાં ખર્ચ કર્યા.
અમેરિકાના સૂત્રો મુજબ, બાઈડન વહીવટી તંત્ર હવે ચીનની ધમકીઓનો જવાબ આપવા માટે એશિયા પ્રશાંત ક્ષેત્ર પર ફોકસ કરવા ઈચ્છે છે. હકીકતમાં, તાઈવાનને લઈને અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. એ કારણે બાઈડન વહીવટી તંત્ર પોતાની સેનાના આધુનિકરણને ઝડપી કરવા ઈચ્છે છે.