ગુજરાતના સોમવાર, 30 ઓગસ્ટે જન્માષ્ટમીના પાવનપર્વે લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. રાજ્યમાં આ વર્ષ ચોમાસાની સિઝન નબળી રહી છે અને અત્યાર સુધી આશરે 62 ટકાની ઘટ છે ત્યારે વરસાદનું આગમન થયું હતું. વરસાદથી લોકોને ગરમી અને બફારાથી પણ રાહત મળી હતી.
સોમવારે અમદાવાદ, મહેસાણા, બહુચરાજી ગ્રામ્ય વિસ્તાર, મોડાસા, ગાંધીનગર, બનાસકાંઠા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી મહોલ સાથે નોંધપાત્ર વરસાદ થયો હતો. અમદાવાદના શીલજ, જગતપુર, સિંધુભવન રોડ, ઇસ્કોન, પકવાન સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં વરસાદ ચાલુ થતાં મંદિર પરિસરમાં ભક્તો આનંદિત થઇ ગયા હતા. રવિવારે રાત્ર વડોદરામાં પણ આશરે ત્રણ ઊંચ વરસાદ થયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. 29 ઓગસ્ટ સુધીમાં જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો હતો. ગુજરાતમાં થતાં સરેરાશ 840 મિમી સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો હતો.