ઉત્તરાખંડમાં મંગળવારથી ચાલુ થયેલા ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જ્યાં જુઓ ત્યાં ચારેબાજુ પાણી જ પાણી ફરી વળતા જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. વરસાદને કારણે દહેરાદૂનમાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે રાની પોખરી નજીક દેહરાદૂન-ઋષિકેશ પુલ તૂટી ગયો હતો અને અનેક વાહનોને નુકસાન થયું હતું.
અવિરત વરસાદને કારણે, માલદેવતા-સહસ્રધાર લિંક રોડ કેટલાક મીટર સુધી નદીમાં સમાઈ ગયો હતો. હવામાન વિભાગે ઉત્તરાખંડના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. આ જિલ્લાઓમાં નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર, બાગેશ્વર અને પિથોરગઢનો સમાવેશ થાય છે. આ સિવાય દહેરાદૂન, ટિહરી, પૌરી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવનાને જોતા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મંગળવારે મોડી રાત્રે વાદળ ફાટ્યા બાદ પૂરના પાણી ઘરોમાં પ્રવેશ્યા હતા, વીજ થાંભલાઓ અને વૃક્ષો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી.
પિથોરાગઢ જિલ્લાના બાલુવાકોટના જોશી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો.વાદળ ફાટવાના કારણે કાટમાળમાં એક મહિલા દટાયેલી હોવાના સમાચાર હતા. મહિલાને શોધવા માટે સ્થાનિક લોકો તેમજ SDRF અને NDRF દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતા.