સરકારી વૈજ્ઞાનિકો બ્રિટનમાં કોવિડ-19 વેક્સીનનો ત્રીજો બૂસ્ટર ડોઝ સૌથી નબળુ આરોગ્ય ધરાવતા લોકોને જ આપવાનું વિચારી રહ્યા છે. સંભવ છે કે આ ઓટમમાં 50 વર્ષ કરતા વધુ વયના લોકોને બૂસ્ટર રસી આપવામાં આવશે નહિં. આવા અભિગમને ટેકો આપવા માટે મર્યાદિત પુરાવા છે અને સૌથી વધુ જરૂરિયાતવાળા લોકોને રસી આપવા માટે લક્ષ્યાંકિત કરી શકાશે.
નેશનલ હેલ્થ સર્વિસે જોઇન્ટ કમિટિ ઓન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન્સ (JCVI)ની વચગાળાની સલાહના આધારે સપ્ટેમ્બરથી બૂસ્ટર કાર્યક્રમ શરૂ કરવાની યોજના તૈયાર કરી હતી. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે “કોઈપણ બૂસ્ટર કાર્યક્રમ JCVIની અંતિમ સલાહ પર આધારિત હશે ત્યાં સુધી બૂસ્ટર જેબ્સ અંગે કોઈ નિર્ણય લઈ શકાતો નથી.’’
ઓક્સફર્ડ વેક્સિનના વડા એન્ડ્રુ પોલાર્ડે આ મહિનાની શરૂઆતમાં જ કહ્યું હતું કે ‘’કોવિડ-19 વેક્સિન માટે બૂસ્ટર શોટ્સની હાલમાં બ્રિટનને જરૂર નથી અને તે ડોઝ અન્ય દેશોને આપવા જોઈએ. બૂસ્ટર્સ વેક્સિન આપવી કે નહીં તે અંગેના નિર્ણયો વૈજ્ઞાનિકો દ્વારા લેવાવા જોઈએ.”
અગાઉ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે ‘’મને અપેક્ષા છે કે આ કાર્યક્રમ સપ્ટેમ્બરની શરૂઆતમાં શરૂ થશે. તેને શરૂ કરતા પહેલા અમારા નિષ્ણાતોના જૂથ, અમારા સ્વતંત્ર વૈજ્ઞાનિકો અને તબીબી સલાહકારો, જેસીવીઆઈ તરફથી અંતિમ સલાહ મેળવવાની જરૂર છે, અને અમે તેમના અંતિમ અભિપ્રાયની રાહ જોઈ રહ્યા છીએ.”
17 ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ 47.41 મિલિયન લોકોને કોરોનાવાયરસ સામેની રસીનો પ્રથમ ડોઝ અને 40.99 મિલિયન લોકોને બીજો ડોઝ મળ્યો હતો.