લંડનના મેયર સાદિક ખાને કહ્યું છે કે ‘’લંડન અફઘાન શરણાર્થીઓને મદદ કરવા તૈયાર છે અને સતામણીનું જોખમ ધરાવતા લોકોને તાત્કાલિક મદદ કરવાની જરૂર છે”.
યુકે દ્વારા હિંસાથી ભાગી રહેલા 20,000 અફઘાનને પ્રવેશ આપવાની તૈયારી કરાઇ છે. તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ હજારો લોકો દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તા. 18ના રોજ સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં ખાને કહ્યું હતું કે “અત્યાચારમાંથી ભાગી રહેલા અફઘાનીઓને મદદ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. લંડન શક્ય તેટલા શરણાર્થીઓનું સ્વાગત કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે અમે સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. આવા લોકોને આશ્રય આપવાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે અને અમે મદદ કરવા માટે બધું કરવા તૈયાર છીએ.”
લોકલ ડેમોક્રેસી રિપોર્ટિંગ સર્વિસના જણાવ્યા મુજબ, ‘’સમગ્ર લંડનમાંથી કાઉન્સિલના નેતાઓએ રાજધાનીમાં અફઘાનને પુન:સ્થાપિત કરવાના પ્રયત્નોને ટેકો આપવાની ઓફર કરી છે. યુકે પ્રથમ વર્ષમાં 5,000 જેટલા અફઘાન શરણાર્થીઓને આવકારશે તેવી અપેક્ષા છે, જેને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે શક્ય ટાર્ગેટ ગણાવી જણાવ્યું હતું કે ‘’યુકે એક જ સમયે 20,000 લોકોને સમાવી શકતું નથી. અમારે સમગ્ર યુકેમાં સપોર્ટ સ્ટ્રક્ચર છે તેની ખાતરી કરવી પડશે. અમે દેશભરમાં સ્થાનિક કાઉન્સિલો અને ડિવોલ્ડ સરકારો સાથે કામ કરીશું. હાલમાં અમે એક દિવસમાં લગભગ 1,000 લોકોને પાછા લાવી રહ્યા છીએ.’’