બ્રિટનના કટ્ટરપંથી મૌલવી અને ઉપદેશક અંજેમ ચૌધરીએ તાલિબાનને અફઘાનિસ્તાનમાં ખિલાફત ઘોષિત કરવા અને ઇસ્લામિક શરિયાનો કડક અમલ કરી વ્યભિચાર માટે પથ્થર મારી મોત નિપજાવવા, ચોરી માટે હાથ કાપવા, સંગીત પર પ્રતિબંધ અને દારૂ પીવા બદલ ચાબુક મારવા જેવી આકરી સજાઓ લાગુ કરવા હાકલ કરી હતી.
ઇસ્ટ લંડનમાં રહેતા અને આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ને ટેકો આપવા બદલ જેલમાં બંધ કરાયેલા મૌલવી અંજેમ ચૌધરીએ બિન-મુસ્લિમો પર જઝિયા વેરો લાદવા અથવા પ્રોટેક્શન ટેક્સ નાંખવાની હિમાયત કરી હતી અને અફઘાનિસ્તાનને “પશ્ચિમી સંસ્કૃતિ”ના નિશાનોથી સાફ કરવા કહ્યું હતું.
એક ટેલિગ્રામ પોસ્ટમાં, તેમણે તાલિબાનને વિનંતી કરી હતી કે ‘’કબ્જો કરનારા દળો અને જે કોઇ પણ અલ્લાહના શાસનના અમલીકરણમાં અડચણરૂપ હોય તેની સામે બંદૂકો તાકી દો. અફઘાનિસ્તાનની નવી સરકારે હાલની અદાલતોને દૂર કરી તેને “સાચુ ઇસ્લામિક રાષ્ટ્ર” બનાવવા માટે શરિયા સંસ્થાઓ શરૂ કરવી જોઇએ. દંડ સંહિતા અથવા હુદૂદ એ અલ્લાહનો અધિકાર છે અને ચોરનો હાથ કાપવો, વ્યભિચારીને પથ્થર મારવો, ધર્મત્યાગીને ફાંસીની સજાનો ખચકાટ વિના અમલ કરવો જોઈએ.”
જોકે, તેમણે જણાવ્યું હતું કે, કડક સજા યોગ્ય કાનૂની પ્રક્રિયા અને પુરાવા પછી જ આપવી જોઈએ. વિશ્વભરના મુસ્લિમોએ અફઘાનિસ્તાનની મુસાફરી કરી નવું શાસન શરિયાનું પાલન કરી રહ્યું છે કે કેમ તેની આકારણી કરવા હાકલ કરી હતી.