અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજ પછીથી છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી અફરા-તફરીનો માહોલ છે. તાલિબાનના ભયથી લોકો દેશ છોડીને ભાગી જવા પડાપડી કરી રહ્યાં છે અને કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ ભેગી થયેલી છે. કાબુલ એરપોર્ટ પર ચારે તરફ હતાશા અને લાચારી છે.
કાબુલ એરપોર્ટ બહાર પાણીની એક બોટલ 40 ડોલર એટલે કે, આશરે 3,000 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે એક પ્લેટ પુલાવની કિંમત 100 ડોલરે પહોંચવા આવી છે જે 7,500 રૂપિયા જેટલી ગણી શકાય. મહત્વની વાત એ છે કે, પાણીની બોટલ ખરીદવી હોય કે, ભોજનની પ્લેટ તેના માટે અફઘાની ચલણને બદલે ડોલરમાં જ કિંમત વસૂલવામાં આવી રહી છે.
ખાવા-પીવાની વસ્તુઓની આટલી ઉંચી કિંમતના કારણે લોકો ભૂખ્યા-તરસ્યા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અને બેભાન થઈને પડી રહ્યા છે. સાથે જ તાલિબાન તેમની મદદ કરવાના બદલે તેમના સાથે મારપીટ કરી રહ્યું છે. આ સમયે નાટો દેશોના સૈનિકો અફઘાનિસ્તાનના મદદગાર બનીને ઉભરી રહ્યા છે. તેઓ એરપોર્ટ પર અસ્થાયી ઘર બનાવીને રહેતા લોકોને ભોજન અને પાણી આપી રહ્યા છે. તે સિવાય અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનના નાના બાળકોને ચિપ્સના પેકેટ વહેંચતા પણ દેખાઈ રહ્યા છે.
અફઘાની બાળકોને વિદેશીઓનો આ વ્યવહાર ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેઓ અમેરિકી સૈનિકોને સલામ પણ કરી રહ્યા છે. જોકે એક તથ્ય એ પણ છે કે, અમેરિકાના કારણે જ અફઘાનિસ્તાનની આ હાલત છે. તે 20 વર્ષોમાં એક એવી ફોજ પણ ન બનાવી શક્યું જે તાલિબાનનો સામનો કરી શકે. જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનને થાળીમાં સજાવીને તાલિબાનના હવાલે કરી રહ્યું છે ત્યારે તેના સૈનિકોનું આ વર્તન તેની છબિને એક અલગ જ ઓળખ આપી રહ્યું છે.