ચાલુ વર્ષે અત્યાર સુધી ચોમાસુ નબળું રહેતા રાજ્યમાં દુકાળના ભણકારા સંભળાય છે ત્યારે ગુરુવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાં 1 વર્ષ પીવાનું પાણી મેળવી શકાય તેટલો સ્ટોક છે. ઘણા વર્ષો પછી આ વર્ષે ગુજરાતમાં વરસાદ ઓછો છે. લગભગ મોટાભાગના જિલ્લાઓમાં જે સરેરાશ વરસાદ થતો એની સરખામણી ખૂબ ઓછો વરસાદ પડ્યો છે.
રાજ્યના બીજા ડેમમાં પાણીના સ્તરની વિગત આપતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના 200 કરતા વધુ બંધો છે, તે બધામાં પાણી ખૂબ જ ઓછું છે. આપણો ગુજરાતનો મુખ્ય સરદાર સરોવર ડેમ કે જેના દ્વારા લાખો હેક્ટરમાં સિંચાઈનું પાણી આપીએ છીએ. તે ડેમમાં પણ દર વર્ષ કરતા અત્યારે ખૂબ જ ઓછું પાણી છે.
મધ્ય પ્રદેશમાં પણ કે જ્યાંથી ડેમમાં પાણી આવે છે તે વિસ્તારમાં પણ ખૂબ જ ઓછો વરસાદ છે જેથી નર્મદામાં ડેમમાં પણ મર્યાદિત પાણી છે. પણ હું નર્મદા પ્રધાન તરીકે એટલું ચોક્કસથી કહીશ કે, અત્યારે જે પાણી સરદાર સરોવર બંધમાં છે, એ આવનારું આખું વર્ષ ગુજરાતના તમામ નાગરિકોને એટલે કે ચાર કરોડ લોકોને પીવાનું પુરેપુરુ શુદ્ધ પાણી આખા વર્ષ દરમિયાન પૂરું પાડી શકાય તેટલો જથ્થો આપણા સરદાર સરોવર ડેમમાં અત્યારે ઉપલબ્ધ છે.