અમેરિકાના પૂર્વ કિનારે રવિવારે રોડ આઇલેન્ડ પર ‘હેનરી’ વાવાઝોડું ફૂંકાતા હજારો લોકોનું જનજીવન ખોરવાયું હતું. ઉપરાંત વીજળી સેવાને પણ અસર થઇ હતી, વૃક્ષો ઉખડી ગયા હતા અને આ વાવાઝોડું ન્યૂ ઇંગ્લેન્ડ તરફ જતા નબળું પડ્યા પહેલા રેકોર્ડ વરસાદ પણ ખાબક્યો હતો.
ટેનિસીમાં 15 ઇંચથી વધારે વરસાદ, તોફાની વાવાઝોડા અને વિનાશકારી પૂરથી 22નાં મોત નીજપવા ઉપરાંત અન્ય 40થી વધારે લાપત્તા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું હતું. ગૂમ થયેલા 40 લોકોમાં છ બાળકોનો સમાવેશ થતો હતો.
વાવાઝોડા, વરસાદ અને પૂરથી ગ્રામીણ રસ્તાઓ, હાઇવે તથા પુલો ધોવાઇ જવા ઉપરાંત વીજળી પુરવઠો ખોરવાઈ જતાં લોકોને અંધારપટ વેઠવો પડયો હતો. હમ્ફ્રિસ કાઉન્ટીના પોલીસ વડા ગીલેસ્પીએ જણાવ્યું હતું કે, વેવર્લી નગરમાં 20 તથા અન્યત્ર બે મોત નોંધાયા હતા.
બચાવ ટુકડીઓએ ઘેર ઘેર ફરીને રાહત બચાવની જરૂર તથા કોઇ ગૂમ છે કે કેમ તેની ચકાસણી કરી હતી. વેવર્લીમાં લોકોએ અસામાન્ય વાવાઝોડા અને તે પછી પાણીની સપાટી વધતાં પૂરનો માઠો અનુભવ કર્યો હતો.
ગ્ટનમાં પ્રમુખ બાઇડેને પત્રકારોને સંબોધતાં ટેનિસીના પૂરમાં જાન ગુમાવનારાઓ પરત્વે સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું હતું. નજીકની હિકમેન કાઉન્ટીમાં પીનેય નદી તેની ભયજનક સપાટી કરતાં 3.6 મીટર ઉપરથી વહેતી હતી.
ઉત્તર પૂર્વમાં હેનરી વાવાઝોડું ત્રાટક્યું
નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે, વાવાઝોડાની આગાહી અગાઉ કેટેગરી 1 હરિકેનની હતી તે નબળું પડીને નીચલા સ્તરે રાત્રે અંદાજે 12:15 કલાકે જમીન પર ત્રાટક્યું હતું. હેનરીના પગલે ન્યૂ ઇંગ્લેન્ડ અને ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના લાખ્ખો રહેવાસીઓને તોફાની પવન, વીજળી વગરના દિવસો અને પાંચ ફૂટ સુધીના તોફાની મોજાની પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું હતું.
યુએસ નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)એ જણાવ્યું હતું કે હેનરીએ પ્રતિ કલાક 60 માઇલની મહત્તમ ઝડપે ફૂંકાયેલું વાવાઝોડું હતું, જે અગાઉ આગાહી કરાયેલા પ્રતિ કલાક 75 માઇલની તુલનામાં ઓછું ઝડપી હતું.
રોડ આઇલેન્ડના ગવર્નર ડેન મેક્કીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં ‘ભારે પૂર’ છે. કોઈપણ પ્રકારની જાનહાનિના તાત્કાલિક રીપોર્ટ મળ્યા નથી.
બપોર સુધીમાં એનએચસીએ તમામ વધારાની ચેતવણીઓ હટાવી લીધી હતી અને રહેવાસીઓના શરૂઆતના રીપોર્ટ મુજબ વાવાઝોડું એટલું ખરાબ નથી જેટલી આગાહી કરવામાં આવી હતી, જોકે કનેક્ટિકટના ગ્રોટોનમાં વૃક્ષો પડી જવાને કારણે કેટલાક ઘરોમાં જોખમ ઊભું થયું હતું.લોંગ આઇલેન્ડના રહેવાસીઓ, હેમ્પટન્સના ગામડાઓએ રાહતનો શ્વાસ લીધો હતો કે વાવાઝોડું પૂર્વ તરફ વળી ગયું છે.
ન્યૂજર્સીના નેવાર્કમાં, અચાનક પૂરને કારણે તબાહી સર્જાઈ હતી અને ઇમર્જન્સી સર્વિસીઝે 16 બાળકો સહિત 86 લોકોને ડૂબી ગયેલા વાહનોમાંથી બચાવ્યા હતા.ત્યાંથી 30 માઇલ દક્ષિણના હેલ્મેટામાં ફાયરફાઇટર્સે કમર સુધીના પાણીમાં ઉતરીને લોકોને બચાવ્યા હતા. ટ્રેકિંગ વેબસાઇટ poweroutage.us મુજબ, રોડ આઇલેન્ડમાં અંદાજે 79,000 લોકો વીજળી વિહોણા બની ગયા હતા અને કનેક્ટિકટમાં અન્ય 33,000 લોકો અંધારપટમાં ફસાયા હતા.
તેમણે જણાવ્યું હતું કે, નેવાર્ક એરપોર્ટ પર 200થી વધુ ફ્લાઇટ્સ રદ્ થઇ હતી અને જ્યારે ન્યૂયોર્કના લાગાર્ડિયા અને જેએફકે એરપોર્ટ્સ વચ્ચે 200 જેટલી ફ્લાઇટ્સ રદ્ થઇ હતી.
પ્રેસિડેન્ટ જો બાઇડેને ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA)ને રોડ આઇલેન્ડમાં આપદા રાહતમાં પ્રયાસ કરવા માટે સંકલન કરવા આદેશ કર્યો છે.કનેક્ટિકટ અને ન્યૂયોર્કમાં ગવર્નર એન્ડ્રુ કુઓમોએ 500 નેશનલ ગાર્ડના સૈનિકોને તહેનાત કર્યા હતા. તેમણે રીપોર્ટર્સને જણાવ્યું હતું કે, ‘અમે રાજ્યોને તૈયાર રહેવા માટે તમામ મદદ કરી રહ્યા છીએ.’