રાજકોટના રાજવી પરિવારમાં આશરે રૂા.1500 કરોડની પૈતુક સ્થાવર-જંગમ મિલકત વિવાદમાં સિટી સિવિલ કોર્ટે મંગળવારે રાજકુમારી અંબાલિકાદેવીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના બહેન અંબાલિકા દેવીએ સિટી સિવિલ કોર્ટમાં રીલીઝ ડીડ અને તેમના પિતા મનોહરસિંહ જાડેજાના વસિયતનામ સામે સિટી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, એમ તેમના વકીલ કેતન સિંઘાવાએ બુધવારે જણાવ્યું હતું.
ઝાંસીમાં રહેતા અંબાલિકા દેવીએ દાવો કર્યો હતો કે તેમને અંધારામાં રાખીને અને પૂરતી માહિતી આપ્યા વગર આ રીલીઝ ડીડમાં 2019માં માંઘાતાસિંહે સહી કરાવી હતી.
રાજવી પરિવારમાં પૈતુક મિલકત વહેંચણીના મુદ્દે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે.
અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો હતો. ઠાકોર સાહેબ માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર કરતા માંધાતાસિંહને કાનૂની લપડાક લાગી હતી. આ હુકમને ઠાકોર સાહેબ માંધાતાસિંહ કલેકટર સમક્ષ પડકારી શકશે. પ્રાંત અધિકારીએ આપેલા ચુકાદાને 60 દિવસમાં માંધાતાસિંહ કલેકટર સમક્ષ અપિલ દાખલ કરી શકશે.
રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલીલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.