કોરોના મહામારીમાં લોકો જાત-જાતના અખતરા કરતાં હોવાનો વધુ એક કિસ્સો અમેરિકાના મિસિસિપિ રાજ્યમાં નોંધાયો છે. રાજ્યના લોકો કોરોનાથી બચવા માટે પશુધનમાં પેરેસાઇટ ઇન્ફેક્શનની સારવારમાં વપરાતી આઇવરમેક્ટિન નામની દવા ગળી રહ્યાં છે. આવા લોકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે અમેરિકાની સર્વોચ્ચ હેલ્થ એજન્સી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ શનિવારે વોર્નિંગ આપી હતી કે આઇવરમેક્ટિન પશુઓની દવા છે અને કોરોનાથી બચવા કે તેની સારવાર કરવા તેનો ઉપયોગ ન કરવો જોઇએ. અગાઉ મિસિસિપિના આરોગ્ય વિભાગે પણ આવી ચેતવણી જારી કરવી પડી હતી.
ગયા વર્ષે થયેલા કેટલાંક અભ્યાસ બાદ આ દવાના ઉપયોગને વેગ મળ્યો હતો. જોકે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે આઇવરમેક્ટિન સંબંધિત આવા મોટા ભાગના અભ્યાસમાં અધુરી માહિતી છે
મિસિસિપીમાં સ્ટેટ પોઇઝન કંટ્રોલ સેન્ટરને તાજેતરમાં મળેલા કુલમાંથી આશરે 65 ટકા કોલ આઇવરમેક્ટિન ફોર્મુલેશન ખાવા સંબંધિત હતા, એમ રાજ્યના આરોગ્ય વિભાગે ન્યૂઝ રિલીઝમાં જણાવ્યું હતું.
ટ્વીટર પર વધુ સ્પષ્ટ વોર્નિંગ આપતા FDAએ જણાવ્યું હતું કે “તમે ઘોડા નથી. તમે ગાય નથી. ગંભીર બનીને તમે બધા આ બંધ કરો.” એફડીએએ જણાવ્યું હતું કે ઘોડા માટેની આઇવરમેક્ટિન ગળ્યા બાદ મેડિકલ સારવારની જરૂર પડી હોય અથવા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોય તેવા લોકોના અહેવાલ મળ્યા છે.