અફઘાનિસ્તાનમાં તાલિબાની લડવૈયાઓએ સત્તા કબજે કર્યા બાદ પરિસ્થિતિ વિકટ બની છે. વિદેશી નાગરિકો પોતાના વતન પરત ફરવા ઇચ્છતા હતા. કાબુલની ઇન્ડિયન એમ્બેસીમાં કામ કરતા લોકો, ભારતીય પત્રકારો તેમજ અન્ય ભારતીયોને ભારત પરત લાવવા માટે ભારતીય એરફોર્સે એક દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. આ લોકોને સૌપ્રથમ ગુજરાતના જામનગર લઇ જવાયા હતા અને ત્યાંથી દિલ્હી લઇ જવાયા હતા.
કાબુલથી જામનગર સુધીની સફર આ તમામ ભારતીયો માટે સરળ નહોતી પરંતુ આના કરતા પણ સૌથી મુશ્કેલ કામ આ તમામ ભારતીયોને કાબુલ એરપોર્ટ સુધી સુરક્ષિત પહોંચાડવાનું હતું કેમ કે હવે કાબુલના રસ્તા પર તાલિબાની લડવૈયાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એવામાં કોઈ પણ ભારતીયને ઈજા પહોંચાડ્યા વિના એરપોર્ટ સુધી પહોંચાડવાનુ મુશ્કેલ હતુ.
ગત મંગળવારે લગભગ 14 વાહનમાં કુલ 130 લોકોને એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ભારતીય નાગરિક, પત્રકાર, રાજદૂત, એમ્બેસીનો અન્ય સ્ટાફ અને ભારતીય સુરક્ષાકર્મી સામેલ હતા. ફ્લાઈટ પર પ્રતિબંધ હોવાથી કાબુલ એરપોર્ટ પર ભીડ હતી. એવામાં ઇન્ડિયન એરફોર્સને આ તમામને સુરક્ષિત લાવવામાં આવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ મિશનને પાર પાડવામાં ત્રણ સેન્ટર્સની મહત્વની ભૂમિકા હતી, જેમા કાબુલમાંની ભારતીય એમ્બેસી, ભારતીય વિદેશ મંત્રાલય અને કેબિનેટ સચિવાલય ત્રણેયની તાલમેલ બાદ જ મિશનને આગ વધારાયુ. કાબુલની આસપાસ જે ભારતીય હતા તેમને એરપોર્ટ સુધી પહોંચાડવા માટે અલગ-અલગ બેચમાં વાહનોને તૈયાર કરવામાં આવ્યા. કોઈ પણ મિશન પહેલા પ્રોટોકોલ હેઠળ એમ્બેસીમાં જરૂરી પેપરને નષ્ટ કરવામા આવ્યા.
અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામને રાતે એરપોર્ટ સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવે, પરંતુ તાલિબાને નાઈટ કર્ફ્યુનું એલાન કરી દીધુ હતુ. એવામાં જે ભારતીય વતન પરત ફરવા માટે તૈયાર હતા. તે તમામને એમ્બેસી પહોંચવાનું જણાવવામાં આવ્યુ હતું. તમામ લોકોએ 16 ઓગસ્ટની રાત એમ્બેસીમાં જ પસાર કરી અને 17 ઓગસ્ટે આ તમામ એરપોર્ટ માટે રવાના થયા.
કાબુલમાં જ્યાં એમ્બેસી છે, તેની આસપાસ તાલિબાનીઓએ પોતાના લડવૈયાઓને તૈનાત કર્યા હતા. કોઈને આવવા-જવા દેવામાં આવી રહ્યા હતા નહોતા પરંતુ ભારતીયોને પેપર બતાવ્યા બાદ એન્ટ્રી મળી રહી હતી. જો કોઈ અફઘાની નાગરિક એવુ કરે તો તેને રોકવામા આવી રહ્યા હતા. એવામાં એ નિર્ણય લેવામાં આવ્યો કે પરત જનારા ભારતીયને એમ્બેસીમાં જ રાખવામાં આવે.
હવે સૌથી મોટો પડકાર એ હતો કે કેવી રીતે આ તમામને એમ્બેસીથી એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવે. એવામાં કુલ 14 વ્હીકલનો કાફલો તૈયાર કરવામાં આવ્યો, જેમાંથી આગળ-પાછળ પાયલટ વ્હીકલ પણ સામેલ રહ્યા. જેમાં સ્થાનિક ભાષા બોલનારા લોકો, સ્થાનિક રસ્તાને જાણનાર લોકો હતા. એમ્બેસીથી લઈને એરપોર્ટ સુધીના રસ્તામાં કુલ 15 ચેકપોસ્ટ આવ્યા, જ્યાં તાલિબાની તૈનાત હતા.
જેમ-જેમ એક-એક ચેકપોસ્ટ પાર થઈ રહી હતી, તેમ-તેમ દિલ્હીને આ વિશે જાણકારી આપવામાં આવી રહી હતી કેમ કે દિલ્હીમાં પણ અધિકારી આખી રાત જાગીને આ મિશનને અંજામ આપવામાં લાગેલા હતા. આ દરમિયાન આ મિશન વિશે અમેરિકીઓને જાણકારી આપવામાં આવી હતી કેમ કે એરપોર્ટ પર અમેરિકન ફોર્સ જ સુરક્ષા આપી રહી હતી. છેવટે કાફલો સહીસલામત એરપોર્ટ પહોંચ્યો અને વિમાન ત્યાંથી સહીસલામત રવાના થયું હતું.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી રવિવારે 168 લોકોને લઈને એરફોર્સનું વિમાન ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર પહોંચ્યું હતું. આમાંથી 107 ભારતીય નાગરિક છે. આમા અફઘાની સાંસદ અનારકલી હોનરયાર, નરેન્દ્ર સિંહ ખાલસા અને તે બંનેના પરિવારોનો સમાવેશ થાય છે. હોનરયાર અને ખાલસા તે લોકોમાંથી છે જેમને તાલિબાન શનિવારે પોતાની સાથે લઈ ગયા હતા. તાલિબાને કહ્યું હતું કે તેઓ અફઘાની છે, તેથી તેઓ દેશ છોડી શકશે નહીં. જો કે, બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા.ભારત પહોંચ્યા બાદ નરેન્દ્ર સિંહ ખાલસા ભાવુક થઈ ગયા હતા.
તાલિબાનો દ્વારા કાબુલમાં ભારતીયોને કબજામાં રાખવામાં આવ્યા હતા. આ તમામ ભારતીયોને તાલિબાને કબજામાંથી મુક્ત કર્યા હતા. જ્યાં સુધી તાલિબાનોના કબજામાં ભારતીયો હતા ત્યાં સુધી તમામના જીવ પડીકે બંધાયેલા હતા. ક્રૂર તાલિબાનોના કબજામાંથી છુટીને આવેલા ભારતીયો ખૂબ ખૂશ થઈ ગયા હતા.
અગાઉ કાબુલમાંથી બહાર કાઢવામાં આવેલા 87 અન્ય ભારતીયો એર ઇન્ડિયાથી વિમાન દ્વારા આજે સવારે દિલ્હી પહોંચ્યા હતા. જેમાં 2 નેપાળીઓનો સમાવેશ થાય છે. ભારતીયોએ તેમના વતન પરત ફરવાની ખુશીમાં ફ્લાઇટની અંદર ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. આ લોકો 2 વિમાનો દ્વારા ભારત પહોંચ્યા છે. તેમને પહેલા તઝાકિસ્તાનની રાજધાની દુશાંબે અને કતારની રાજધાની દોહા મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને ગત રાત્રે ભારત મોકલવા માટે રવાના કરાયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ આ જાણકારી આપી હતી.
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત ફરવાનો માર્ગ સરળ બની ગયો છે. ભારતને કાબુલ એરપોર્ટ પરથી દરરોજ બે વિમાનના સંચાલનની પરવાનગી મળી ચૂકી છે. અમેરિકન અને ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (NATO) ફોર્સે શનિવારે તેની પરવાનગી આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હવે તેઓ ટૂંક સમયમાં તમામ ભારતીયોને પરત લાવશે. અત્યારે અહીં 300 ભારતીયો ફસાયેલા હોવાની માહિતી છે.