વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી શુક્રવારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વિકાસના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. (PTI Photo) IMAGE MADE AVAILABLE FROM PIB**

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી શુક્રવારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વિકાસના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ મંદિર અને વૉક વેનું લોકાર્પણ કર્યું હતું અને શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો હતા.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમુદ્ર દર્શન વૉક વે, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલેરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે. નવા અવસર અને નવી રોજગારી વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી શુક્રવારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વિકાસના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. (PTI Photo)

વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ પ્રસંગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ કહ્યું કે આજે મને નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જૂના સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરવાનો લ્હાવો મળ્યો છે. હું ભગવાન સોમનાથના કરોડો ભક્તોને શુભકામનાઓ આપું છું અને સાથે જ લોખંડી પુરુષ સરદાર પટેલનાં ચરણોમાં નમન કરું છું. આપણી વિચારસરણી ઈતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની અને નવું ભવિષ્ય બનાવવાની હોવી જોઈએ. તેથી, જ્યારે હું ‘ભારત જોડો આંદોલન’ની વાત કરું છું ત્યારે તેનો અર્થ માત્ર ભૌગોલિક અથવા વૈચારિક જોડાણો પૂરતો મર્યાદિત નથી.

મોદીએ વધુમાં જણાવ્યું કે નાશ કરનાર દળો, આતંકના આધારે સામ્રાજ્ય ઊભું કરતી વિચારસરણી અમુક સમયગાળામાં અમુક સમય માટે પ્રભુત્વ ધરાવી શકે છે, પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય કાયમી હોતું નથી, તે માનવતાને લાંબા સમય સુધી દબાવી શકતું નથી. સેંકડો વર્ષોના ઈતિહાસમાં આ મંદિર કેટલી વખત તૂટી ગયું. અહીંની મૂર્તિઓ તૂટી ગઈ, તેના અસ્તિત્વને ભૂંસી નાખવાનો દરેક પ્રયાસ કરવામાં આવ્યો. તે શિવ છે જે વિનાશમાં પણ વિકાસના બીજને અંકુરિત કરે છે, વિનાશમાં પણ સૃષ્ટિને જન્મ આપે છે તેથી શિવ અવિનાશી, અવ્યક્ત અને શાશ્વત છે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન અને ગૃહપ્રધાને સોમનાથ યાત્રાધામના વિકાસને વેગવાન બનાવી છે અને તેમના નેતૃત્વમાં સોમનાથમાં અનેક ઘણી યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.’

વોક-વે

સાગર દર્શન નામનો એક કિ.મી. લાંબો વોક-વે રૂા.45 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે વોક-વેનું લોકાર્પણ થતાં જ તેના પર સ્કૂલના વિદ્યાર્થીઓ, વિવિધ જૂથનાં લોકનૃત્યો, જૂનાગઢ પોલીસ બેન્ડ, વિવિધ પૌરાણિક પાત્રો સાથેના રથ, બાંટવાની જય ચામુંડા રાસમંડળીના દાંડિયારાસ, ચોરવાડનું ટિપ્પણી નૃત્ય અને સીદી બાદશાહના ધમાલ નૃત્ય સાથેની શોભાયાત્રા પણ નીકળવાની છે. વોક-વે પથ પર લોકો સાઇલિંગની મજા પણ માણી શકશે. વોક-વેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી ચિત્ર ગેલરી બનાવવામાં આવી છે. એમાં વોક-વે પર ભારતની સંસ્કૃતિને લગતી ચિત્ર ગેલરી નિહાળી શકાશે. આ ચિત્ર ગેલરી રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદ્રશ કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે તેમજ મ્યુઝિક અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે, જેથી રાત્રિના સમયે વોક-વેનો સુંદર નજારો માણવાનો લહાવો પણ મળશે.

શ્રીપાર્વતી મંદિર

શ્રીપાર્વતી મંદિર અંદાજે રૂા.30 કરોડના ખર્ચે તૈયાર કરાશે. જે સોમપુરા સલાટ શૈલીથી બનાવાશે. 380 સ્કવેર મીટરનો ગર્ભ ગૃહ અને 1250 સ્ક્વેર મીટરનો નૃત્ય મંડપ પણ બનાવાશે.દેશભરમાં જ્યાં મોટાં શિવ મંદિરો છે એની બાજુમાં મા પાર્વતીનું મંદિર હોય છે અને ગંગાજી, ગણપતિજી, હનુમાનજી અને ભગવાન શિવ સહિત શિવ પંચાયતનાં મંદિરો સાથે જ હોય છે, જે પરંપરા જાળવવા માટે સોમનાથમાં મા પાર્વતીજીનું મંદિરનું નિર્માણ કરવાનું નકકી કરાયું છે.

સોમનાથ પ્રદર્શન ગેલરી

સોમનાથ મહાદેવની ટૂરિસ્‍ટ ફેસિલિટી કેન્‍દ્રના બિલ્‍ડિંગમાં તૈયાર કરાયેલા સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર (મ્‍યુઝિયમ)માં ભવ્‍ય ભૂતકાળ ધરાવતા સોમનાથ મંદિરના જૂના ખંડિત અવશેષો, પથ્‍થરો અને ભૂતકાળના સોમનાથ મંદિરની નાગર શૈલીની મંદિરની વાસ્તુકલાવાળી પ્રતિમાઓને પ્રદર્શિત કરવા માટે મૂકવામાં આવી છે. આ ઉપરાંત ભૂતકાળના સોમનાથ મંદિર ઉપર ઘટેલી ઐતિહાસિક ઘટનાઓની પ્રતીતિ કરાવતું સાહિત્‍ય, ફોટોગ્રાફસ પણ પ્રદર્શિત કરવા માટે મૂકવામાં આવ્યાં છે. આ મ્‍યુઝિયમ વર્તમાન અને ભાવિ પેઢીને પ્રથમ આદિ જયોતિર્લિંગ સોમનાથ મંદિરના ભવ્‍ય ભૂતકાળથી અવગત કરાવશે.

જૂનું સોમનાથ મંદિર

સાડા ત્રણ કરોડના ખર્ચે જૂના સોમનાથ મંદિર પરિસરનો વિકાસ કરી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ મંદિરને અહિલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે એને ઈન્દોરનાં મહારાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવાયું હતું. યાત્રાળુઓની સુરક્ષા અને સંવર્ધિત ક્ષમતા માટે સમગ્ર જૂના મંદિરના પરિસરનો સમગ્ર રીતે પુન:વિકાસ કરવામાં આવ્યો છે. એમાં મંદિરમાં યાત્રિકો સરળતાથી પ્રવેશ કરી બહાર નીકળી શકે એ માટે વિશાળ ખુલ્‍લું પરિસર અને પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં છે. પરિસરમાં જ 16 દુકાન બનાવવામાં આવી છે. આ મંદિર ઈન્દોરનાં મહારાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવાયું હોવાથી તેમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.